અમદાવાદા,તા.૮
નોટ બંધી વખતે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક દ્વારા પાંચ જ દિવસમાં ૭૪પ કરોડની નોટ બદલવા મુદ્દે રાહુલ ગાંધી અને કોગ્રેસના પ્રવક્તા સુરજેવાલાની જાહેરાત બાદ એડીસી બેંકના ચેરમેન દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનાં દાવો કરવામાં આવ્યો હતો. જે મુદ્દે કોર્ટે રાહુલ ગાંધી અને સુરજેવાલાને સમન્સ પાઠવ્યું છે અને આગામી ર૭મી મે સુધીમાં હાજર થવા પણ જણાવ્યું છે. આ મામલે હવે રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ માનહાનીના કેસની વિગતો જોઈએ. તો આ કેસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી પર દાખલ કરવામાં આવેલ આરટીઆઈનાં આધાર પર બેંક ઉપર કરવામાં આવેલી ટીપ્પણીને લઈને થયો છે. એડીસી બેંક દ્વારા નોટબંધી બાદ પાંચ જ દિવસમાં ૭૪પ કરોડની નોટ બદલવા મુદ્દે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યા હતા અને રણદીપ સુરજેવાલાએ રર જુન, ર૦૧૮એ એક પ્રેસકોન્ફરન્સમાં આરટીઆઈનાં જવાબનો હવાલો આપતા દાવો કર્યો હતો કે, બેંકે નોટ બંધી બાદ પાંચ જ દિવસમાં ૭૪પ.પ૮ કરોડ રૂપિયાની જુની નોટો બદલી હતી. જેને લઈ એડીસી બેંકના ચેરમેનનો આક્ષેપ છે કે, રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધીએ બેંકના વ્યવહારને લઈને ઉઠાવેલા સવાલોને લીધે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેમ કહી તેમને બદનક્ષીનો દાવો અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં દાખલ કર્યો હતો.
આ માનહાનીના કેસ મામલે કોર્ટના મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીએ પણ બદનક્ષી થઈ હોવાનું માન્યું છે તથા મેટ્રોકોર્ટે રાહુલ ગાંધી અને સુરજેવાલા સામે પ્રથમ દર્શનીય ગુનો બન્યો હોવાનું નોંધ્યું છે અને આગામી ર૭મી મે સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પણ પાઠવ્યું છે. જો કે આ મુદ્દે બેંકના ચેરમેન દ્વારા મેટ્રો પોલીટન કોર્ટમાં રણદીપ સુરજેવાલાના નિવેદનની સીડી અને ટ્રાન્સ્ક્રીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે રણદીપ સુરજેવાલા દ્વારા પત્રકાર પરિષદ યોજીને બેંક દ્વારા ૭૪પ કરોડની જુની નોટ બદલી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.