(એજન્સી) લખનઉ, તા.ર૮
ઉત્તરપ્રદેશના મેરઠમાં બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ પારસ્પરિક સહમતિથી કોર્ટ મેરેજ કરવા જઈ રહેલા યુગલને કથિત રીતે નોંધણી કરતા અટકાવ્યા હતા. બે અલગ-અલગ ધર્મના લોકો કોર્ટમાં શાદી કરવા જઈ રહ્યા હોવાની સૂચના મળતા બજરંગ દળના અનેક કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લવજેહાદનો આરોપ લગાવી હોબાળો કર્યો હતો તેમજ પ્રેમી યુગલ સાથે મારપીટ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. પોલીસે યુગલને કસ્ટડીમાં લઈ પરિજનોને સમન્સ મોકલ્યા છે. જેથી સત્ય જાણી શકાય. બીજી તરફ ફરિયાદ લખાઈ ત્યાં સુધી બજરંગ દળના કાર્યકર્તાઓ પર કોઈપણ પગલાં લેવામાં ન આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ યુવતી નોએડાની રહેવાસી છે અને હિન્દુ છે જ્યારે યુવક મુસ્લિમ છે. બજરંગ દળ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે યુવતીને ફોસલાવીને લવ-જેહાદમાં ફસાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.