અમદાવાદ, તા.૧૩
સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો જેમાં કોઈપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઈ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ ચુકાદાને લઈ ગુજરાત સહિત દેશભરના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈ આ ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વખોડી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર પર સીધા પ્રહાર અને કુઠારાઘાત સમાન હોય બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હવે આ મામલે દેશના તમામ રાજ્યોમાં આ ચુકાદાને લઈ વકીલોમાં જાણકારી અને જાગૃતિ આપવા સારૂં ૧૭મી સપ્ટેમ્બરથી જાગૃતિ અભિયાન છેડવા ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશના તમામ વકીલ મંડળોને હાકલ કરી હતી. ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરેમન અનિલ સી. કેલ્લા અને એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ આજે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિર્દેશાનુસાર ગુજરાતમાં વકીલઆલમના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાઈ હતી. જે પ્રમાણે ૧૭મી સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લા-તાલુકા કોર્ટોમાં વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સંદર્ભે વકીલોનું જાગૃતિ અભિયાન, દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજાશે અને ઓકટોબર મહિનામાં દેશભરમાંથી વકીલો સુપ્રીમ કોર્ટ અને સંસદ ખાતે એકઠા થશે અને વિરોધના કાર્યક્રમો યોજાશે. ગુજરાત બાર કાઉન્સિલના શિસ્ત સમિતિના અને એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેનોએ વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કિશ્નકાંત તમરાકર વિરૂદ્ધ મધ્યપ્રદેશ રાજ્યના કેસમાં આપેલા મહત્ત્વના ચુકાદા મારફતે દેશના બાર એસોસીએશનો અને બાર કાઉન્સિલોને કોઈપણ પ્રસંગ કે બાબતને લઈ કોટોર્માં હડતાળ, બહિષ્કાર કે કોર્ટ કામગીરીથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે. જેનો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સહિત દેશભરના વકીલ આલમમાં ચોતરફથી ઉગ્ર વિરેાધ થઈ રહ્યો છે. જેને પગલે તા.૧૭મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની વકીલોમાં સમજ અને જાગૃતિ આપવા ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કોર્ટોમાં ખાસ જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર દેખાવોનો કાર્યક્રમ યોજાશે. આ વિરોધ કાર્યક્રમને લઈ તાલુકા કક્ષાએ મામલતદારને અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર અપાશે. એ પછી આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા રાજ્યના મુખ્યમંત્રી, કાયદામંત્રી, ધારાસભ્યો અને સંસદસભ્યોને રજૂઆત કરી આવેદનપત્ર અપાશે. ત્યારબાદ ઓકટોબર મહિનામાં દેશભરના વકીલો દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટ અને સંસદ બહાર એકત્ર થઈ રાષ્ટ્રવ્યાપી આશ્ચર્યકારક કાર્યક્રમ આપશે.