(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
મહિલા પત્રકાર વિશે નફરતભરી પોસ્ટ મુકનારા ભાજપના અભિનેતામાંથી નેતા બનેલા શેખર વેંકટરમનને સુપ્રીમ કોર્ટમાંથી આંશિક રાહત મળી ગઇ છે. સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો સામનો કરી રહેલા શેખર બીજી તરફ ધરપકડનો પણ સામનો કરી રહ્યા હતા. મહિલા પત્રકારને બદનામ કરવા અંગેની પોસ્ટ તેમણે બાદમાં ડિલિટ કરી દીધી હતી જેમાં તેમણે એવું કહ્યું હતું કે, મહિલા પત્રકારો મોટા લોકો સાથે સુવા સિવાય પત્રકાર કે ન્યૂઝ રીડર બની શકતી નથી. આ સાથે જ તેમણે મહિલા પત્રકારને તુચ્છ, અસભ્ય અને નીચ પણ ગણાવી હતી. આ ઘટનાને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના કૃત્ય સમાન ગણવામાં આવે છે જેમણે થોડા સમય પહેલા જ એક કાર્યક્રમ દરમિયાન મહિલા પત્રકારના ગાલ પંપાળ્યા હતા. શેખરે પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે, મહિલા પત્રકારો ફક્ત પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યલોને જ નિશાન બનાવે છે. રાજ્યપાલે તેના ગાલને અડતા તેમણે પોતાના હાથ ફિનાઇલથી ધોવા પડશે. બીજી તરફ તમિલનાડુમાં આ નેતાના વાણીવિલાસનો મોટો પડઘો પડ્યો છે અને ડીએમકેના કનિમોઝી તથા ઘણા કાર્યકરો તથા નેતાઓએ શેખરની ધરપકડ કરવાની માગ કરી છે. તમિલનાડુ જર્નાલિસ્ટ પ્રોટેક્શન વેલ્ફેર એસોસિએશન દ્વારા તેની સામે ફરિયાદ નોંધાઇ છે. વેંકટરમનની જામીન અરજી મદ્રાસ હાઇકોર્ટમાં ફગાવી દેવાઇ હતી. કોર્ટના આદેશમાં જણાવાયું કે, સોશિયલ મીડિયા પર મોકલાયેલો મેસેજ વંચાયો હોય કે ન વંચાયો હોય પરંતુ તેના કારણે મોટું અપમાન થયું છે. જસ્ટિસ રામથિલગમે કહ્યું કે, જ્યારે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઇએ ત્યારે આનાથી લોકોમાં ખોટો સંદેશ જાય છે અને ત્યારે જ્યારે એક સેલિબ્રિટી તેનો ઉપયોગ કરે. શેખરના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેમના અસીલે જે પોસ્ટ કરી હતી તેને ડિલિટ કરી છે અને માફી માગી લીધી છે તેના આધારે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે ત્યારે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધરપકડ અટકાવી હતી.