(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે કેટલાક ખાનગી હોસ્પિટલ કોવિડના દર્દીઓને દાખલ કરવાનો ઇન્કાર કરે છે, અને તેઓ પાસે ઉપલબ્ધ પથારીઓના કાળાબજાર કરવાની પ્રવૃત્તિ કરી રહી છે. દિલ્હીની બે-ચાર હોસ્પિટલો એવી છે જે કોવિડ-૧૯ના દર્દીઓને દાખલ કરવાની ના પાડે છે, એટલું જ નહીં પરંતુ જેઓને દાખલ થવાની સખત જરૂર છે એવા દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની માંગણી કરે છે એમ મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારે કહેતાં કડક ચેતવણી ઉચ્ચારી હતી કે હોસ્પિટલની પથારીઓના કાળા બજાર કરનારી હોસ્પિટલ સામે કડક પગલાં લેવામાં આવશે. કોવિડના દર્દીઓની સારવાર કરવા દિલ્હીમાં હોસ્પિટલની પથારીઓની કોઇ અછત નથી એવો દૃઢ પુનરોચ્ચાર કરતાં કેજરીવાલે કહ્યું હતું કે કઇ ખાનગી હોસ્પિટલમાં કેટલી પથારીઓ ઉપલબ્ધ છે તેની દેખરેખ રાખવા દિલ્હી સરકાર કેટલાંક નિષ્ણાતોની ટીમ મેદાનમાં ઉતારશે. તેમણે કહ્યું હતું કે સરકારના ધ્યાન ઉપર આવ્યું છે કે રાજધાનીની બે-ચાર હોસ્પિટલો કોવિડના દર્દીઓને દાખલ કરીને પોતાની પાસે ઉપલબ્ધ પથારીઓના કાળા બજાર કરી રહી છે. અને આવી હોસ્પિટલો સામે આકરાં પગલાં લઇશું અને તેઓ કોઇપણ સંજોગોમાં દર્દીઓને દાખલ કરવાનો ઇન્કાર કરી શકે નહીં. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનારા માફિયાઓ ઉપર ત્રાટકવા થોડા સમયની જરૂર છે. આ ખાનગી હોસ્પિટલોની રાજકીય નેતાઓ સાથે સાંઠગાંઠ છે પરંતુ તેઓએ એવા ભ્રમમાં ક્યારેય રહેવું જોઇએ નહીં કે તેઓના રાજકીય આશ્રયદાતા તેઓને બચાવી શકશે એમ કેજરીવાલે આજે યોજેલી આભાસી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. જો કે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દિલ્હીની મોટાભાગની ખાનગી હોસ્પિટલો ઘણી સારી છે ફક્ત બે-ચાર હોસ્પિટલો જ એવી છે જે આવી પિશાચી પ્રવૃત્તિ કરી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કુલ પથારીઓ પૈકી ૨૦ ટકા બેડ અનામત રાખવામાં શું સમસ્યા છે તે અંગે સરકાર ખાનગી હોસ્પિટલો સાથે હાલ વાતચીત કરી રહી છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલીક ટીવી ચેનલોમાં અપ્રચાર ચાલી રહ્યો છે કે દિલ્હીમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડી દેવાયું છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી કેમ કે હજુ પણ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. હાલ ૩૬ સરકારી અને કેટલીક ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને ગેરરીતિ આચરનારી છ લેબોરેટરી સામે આકરાં પગલાં લેવામાં આવશે એમ કેજરીવાલે કહ્યું હતું. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલો કોરોના વાયસના સંદિગ્ધ દર્દીઓને પાછા વાળી શકશે નહીં. કેટલીક હોસ્પિટલો ઉપદ્રવ મચાવી રહી છે જેમને છોડવામાં આવશે નહીં. સ્પેશિયલ મીડિયા પર હોસ્પિટલોની થઈ રહેલી ટીકા અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે લક્ષણ વિનાના દર્દીઓને પાછા ધકેલવા નહીં.