(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૫
દિલ્હી સરકારે બુધવારે અધિકારીઓને કોરોના વાયરસના ડરથી રહેણાંક વસાહતોમાંથી ડૉક્ટરો અને પેરામેડિકલ વ્યવસાયિકોને ઘર ખાલી કરાવવા મજબૂર કરી રહેલા મકાનમાલિકોને ચેતવણી આપી છે કે, એમની સામે “કડક દંડનીય કાર્યવાહી” કરવામાં આવશે.
એક જાહેરનામામાં સરકારે ઝોનલ ડેપ્યુટી કમિશનરોને કાર્યવાહી કરવાની સત્તા આપી છે અને કહ્યું છે કે, આ પ્રકારનું વર્તન માત્ર કોવિડ-૧૯ રોગચાળા સામે લડતના મૂળમાં જ અવરોધ નથી પણ આવશ્યક સેવાઓની ફરજમાં અવરોધ ઊભા કરવા સમાન પણ છે.
સરકારે દિલ્હી એપીડેમિક્સ ડીસીઝ્‌સ કોવિડ-૧૯ના રેગ્યુલેશન્સન હેઠળ પગલાં લેવા જણાવ્યું છે અને કહ્યું છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સ, મ્યુનિસિપલ કોર્પોરેશનોના ઝોનલ ડેપ્યુટી કમિશનરો અને ડેપ્યુટી કમિશનરને “કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ આવા મકાન માલિકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.”
ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે, મકાન માલિકો આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને ઘરો છોડવા દબાણ કરી રહ્યા છે. એમની ફરિયાદના પગલે સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં ડૉક્ટરોની સંસ્થાએ જણાવ્યું છે કે, ઘરના માલિકો દ્વારા ડૉક્ટરો અને નર્સોને ઘરમાંથી કાઢી મૂકવાના અનેક દાખલા છે. “ઘણા ડૉક્ટરો હવે તેમના તમામ સામાન સાથે રસ્તાઓ પર રખડી પડ્યા છે.
શાહે દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવને આરોગ્ય સંભાળ વ્યવસાયિકો તરફથી મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને રહેણાંક વસાહતોમાંથી ડૉક્ટરો અને પેરામેડિકલના વ્યવસાયિકો સાથે થયેલ આ પ્રકારના વર્તનની નિંદા કરી હતી. એર ઇન્ડિયા અને ઈન્ડિગોના ક્રૂ સભ્યોએ પણ કહ્યું હતું કે, તેમના ઘણા કર્મચારીઓ કોરોના વાયરસ ફાટી નીકળવાના લીધે તેમના “ફરજની મુસાફરી અને મુસાફરીના ઇતિહાસ”ના લીધે પોતાના વતનમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. ચીન, ઇટલી અને ઈરાન જેવા કોરોના વાયરસ પ્રભાવિત દેશોમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા બંને વિમાન કંપનીઓએ તેમના ક્રૂને મોકલ્યા હતા.