(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે છેલ્લાં ચાર મહિનાથી વધુ સમય વિયરકમ કોઝવે ઓવરફલો થયો હતો. જેથી વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરાયો હતો. હાલ કોઝવેની ભયજનક સપાટી ઘટી જતાં વાહન વ્યવહાર માટે ગુરૂવારે ખુલ્લો કરાયો હતો.
રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે સુરતના ઇતિહાસમાં પહેલી ૧૨૫ દિવસ સુધી બંધ રહ્યો છે. જુલાઇ મહિનાથી શરૂ થયેલા વરસાદના કારણે તંત્ર દ્વારા ગત ૨૭મી જુલાઇથી વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વિયરકમ કોઝવે સતત ઓવરફલો રહ્યો હતો. ચાર મહિનાથી વધુ સમય વિયર કમ કોઝવે બંધ રહેવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. છેવટે વિયર કમ કોઝવેની સપાટી ભયજનકથી નીચે આવી જતાં તંત્રએ વિયરની મરામતની કામગીરી શરૂ કરી છે. ગુરૂવારે વાહન વ્યવહાર માટે વિયર કમ કોઝવે ખુલ્લો કરી દેવામાં આવતા વાહન ચાલકો માટે રાહતના સમાચારો છે.