કોડીનાર,તા.૧૧
કોડીનાર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી CPF ખાતા ધારકો શિક્ષકના નાણાં સમયસર જમા કરવા રજૂઆત કરી છે.
કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાલુકાના લગભગ પ૦૦ CPF ખાતા ધારકો શિક્ષકોના નાણા નવે ૧૭થી જમા થયા નથી. જે લગભગ રૂા.ર કરોડ જેટલી રકમ અધ્ધરતાલ છે અને સીપીએફ ખાતાઓમાં ક્યારેય રકમ સમયસર જમા થતી નથી. જેથી કરીને તેઓને વાર્ષિક રૂા.ર૦ લાખ જેટલી વ્યાજની રકમની ખોટ જાય છે. આ શિક્ષકોને ભવિષ્યમાં પેન્શન મળવાનું ન હોય આ જ તેમની મરણ મુડી હોય. તેમ છતાં જવાબદાર અધિકારીઓ એકબીજા ઉપર કામગીરી નાખી આખ મિચામણા કરી રહ્યા હોવાનું જણાવી શિક્ષકોને થતાં નુકશાનનું વળતર જવાબદાર અધિકારી પાસેથી વસુલી શિક્ષકોના ખાતામાં સમયસર નાણાં જમા કરવા રજૂઆતો કરી હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ થયું ન હોય જો આ પ્રશ્ને ત્વરીત યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોડીનાર તાલુકાના પ્રાથમિક શિક્ષકો શિક્ષણ સિવાયની કામગીરીમાં સહભાગી ન થવાનું જણાવી આ મુદ્દે હાઈકોર્ટ દ્વારા નુકસાનનું વળતર પણ માંગવામાં આવનાર હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે.
હોદ્દેદારો દ્વારા જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો કોડીનાર તાલુકાના પ્રાથમિક શિક્ષકો પ્રવેશોત્સવ દરમિયાન કાળી પટી ધારણ કરી વિરોધ કરનાર હોવાનું પત્રકારોને જણાવ્યું હતું.