અમદાવાદ, તા.૧૬
હવે નજીકના ભવિષ્યમાં સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મારફતે સીધા જ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાશે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગમાં મહત્ત્વની કવાયત આરંભી છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી દીધી છે. તો સાથે-સાથે ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. નજીકના ભવિષ્યમાં સી-પ્લેન સહિતની સમગ્ર કામગીરી અને પ્લાનીંગ ચાલી રહ્યા છે જે પૂર્ણ થતાંની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટથી સીધા જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઇ શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, શેત્રુંજ્ય ડેમ વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સુરત, અમદાવાદથી કિશનગઢ, ઉદેપુર, બેલગાવી, જામનગરથી દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવા, હિંડન સુધી આ સેવા સરકાર શરૂ કરશે. ત્યાં જ ભાવનગરથી પુના અને કેશોદથી મુંબઈ હવાઈ સેવા શરૂ થશે. વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન વિભાગે આ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ શરૂ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી-પ્લેનમાં પ્રવાસ કર્યો હતો. સી-પ્લેનની સફર સફળ થતાં હવે તેનો લાભ જાહેરજનતા સુધી પહોંચાડવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી મહિનાઓમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી આ અદ્‌ભુત અને રોમાંચભરી સેવા શરૂ કરવામાં આવશે.