(એજન્સી) અગરતલા, તા.પ
ત્રિપુરા ચૂંટણીના પરિણામો બાદ સીપીએમએ પોતાના કાર્યાલયો પર હુમલાઓનો આરોપ મૂકયો છે. તેમણે આરોપ મૂકયો છે કે, પક્ષના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરવામાં આવી રહી છે તો ક્યાંક તેમના કાર્યાલયોને આગ ચાંપવામાં આવી રહી છે. રાજ્યમાં આવી હિંસાની ર૦૦ જેટલી ઘટનાઓની વાત કરતાં પક્ષે ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ મૂકયો છે. સમગ્ર રાજ્યમાંથી ભાજપ અને સીપીએમના કાર્યકર્તાઓની વચ્ચે ઝપાઝપીના સમાચાર આવી રહ્યા છે. ત્રિપુરાના લોકપ્રિય નેતાઓમાંથી એક એવા સાંસદ જિતેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે કેડર અને પક્ષના કાર્યાલયો પર ર૦૦ હિંસાની ઘટના બની છે. ત્રિપુરામાં સીપીએમના મુખ્ય કાર્યાલય ખાતે હિંસક ઘટનાઓનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. ત્રિપુરા સીપીએમ સ્ટેટ સેક્રેટરી બિજન ઘરે આરોપ મૂકયો છે કે હિંસાની ઘટનાઓને રોકવા માટે તેમજ ભાજપ કાર્યકર્તાઓ વિરૂદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી. ત્રિપુરાના સાંસદે ભાજપ પર આદિવાસીઓને ભડકાવવાનો આરોપ મૂકયો છે. તેમણે કહ્યું કે બંગાળીઓ અને આદિવાસીઓ વચ્ચે વિભાજન કરી ભાજપે પોતાની વોટ બેંક વધારી છે. ભાજપે સાતમાં પગાર પંચ અંગે જે જાહેરાતો કરી છે તેને લાગુ કરી શકાય તેમ નથી.