(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
બારડોલી નગરપાલિકાના સુપરવાઈઝર અને ગટરના ભૂંગળા મુકવાનું કામ કરનાર ક્રેઈન વાળાની બેદરકારીને કારણે ક્રેઈનનો ભાગ વીજ લાઈનને અડી જતાં ક્રેઈન હેલ્પર યુવકનું કરંટ લાગતા મૃત્યુ થયું હતું. જયારે એકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં વીજલાઈન બંધ કરવા માટે હાજર થયેલા ડીજીવીસીએલના કર્મચારીઓએ વીજલાઈન બંધ કર્યા બાદ જ કામ કરવાની સૂચના આપી હતી. છતાં પણ સુપરવાઈઝરે કામ શરૂ કરાવતા ગંભીર ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી નગર પાલિકાના સુપરવાઈઝર જૈનેશકુમાર નરેશભાઈ પટેલ, ક્રેઈન લાવનાર નસરૂલ્લાહખાન હમીદખાન પઠાણ, નાસીરખાન હમીદખાન પઠાણ વિરૂદ્ધ અઝીઝમીયાં મહેમુદઅલી પઠાણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વીજલાઈન બંધ થવાની રાહ જાયા વગર આરોપી સુપરવાઈઝરની સૂચનાથી ગટરમાં ભૂંગળા મુકવાની કામગીરી શરૂ કરાતા ક્રેઈનનો ઉપરનો ભાગ વીજલાઈનને અડી જતા કરંટ લાગવાથી ફરિયાદીના દિકરા સલીમખાન અઝીઝખાનનું મૃત્યુ થયું હતું. જ્યારે હેલ્પર ગુલામ સરવર ઈસરાયેલને ગંભીર ઈજા થઈ હતી. બારડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.