ઓકલેન્ડ,તા.૧૩
આઈસીસી ર૦૧૯ અને ર૦ર૦માં નવ ટીમોની ટેસ્ટ અને ૧૩ ટીમોની વન-ડે લીગ શરૂ કરશે. ટેસ્ટ સિરીઝ લીગમાં નવ ટીમો બે વર્ષમાં ૬ સિરીઝ રમશે જેમાંથી ત્રણ પોતાની ધરતી પર અને ત્રણ બહાર રમશે. બધાને ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ પાંચ ટેસ્ટ રમવી પડશે. બધી મેચ પાંચ દિવસની હશે અને અંતમાં વિશ્વ ટેસ્ટ લીગ ચેમ્પિયનશીપ ફાઈનલ રમાશે. વન-ડે લીગથી વિશ્વકપમાં સીધો પ્રવેશ મળશે. જે ૧ર પૂર્ણ સભ્ય દેશો અને હાલના આઈસીસી વિશ્વ ક્રિકેટ લીગ ચેમ્પિયનશીપ વિજેતા વચ્ચે રમાશે. લીગના પ્રથમ સત્રમાં દરેક ટીમ ચાર ઘરેલુ અને ચાર વિદેશી સિરીઝ રમશે. જેમાં ત્રણ-ત્રણ વન-ડે હશે. આ જાણકારી આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે એક નિવેદનમાં આપી છે. તેમણે કહ્યું કે આનાથી વિશ્વભરમાં ક્રિકેટપ્રેમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આનંદ લઈ શકશે અને તેમને ખબર હશે કે દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે.