મોરબી, તા. રર
મોરબીમાં પાણીની માગ સાથે ૨૦ ગામના ખેડૂતોએ ડેમના ખાલી પટમાં ક્રિકેટ રમીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. ખેડૂતોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. મોરબી જિલ્લામાં ડેમી ૧, ૨ અને ૩ જળાશય હેઠળ આવતા ૨૦ ગામના ખેડૂતોએ તમામ ડેમી જળાશયોમાં સૌની યોજનાના પાણી ઠાલવવા પહેલા દિવસે ધરણા પ્રદર્શન કર્યા હતાં. જ્યારે બીજા દિવસે ખેડૂતોએ શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું.મોરબી જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની જતા ડેમી ૧,૨ અને ૩ યોજના હેઠળ આવતા ખાનપર, નેસડા, આમરણ, ડાયમંડનગર સહિતના ૨૦ ગામના ખેડૂતો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી તમામ ડેમી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવા આવેદનપત્ર પાઠવી લેખિત અને મૌખિક માંગ કરી રહ્યાં છે.જોકે અનેક રજૂઆત છતાં પણ સરકાર ખેડૂતોની માંગ પ્રત્યે ધ્યાન આપતી નથી. જેના કારણે ખેડૂતોએ ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ડેમી યોજનામાં પાણી નહિ ઠાલવે ત્યાં સુધી રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અમે વિરોધ નોધાવીશું.ડેમી યોજના હેઠળના ૨૦ ગામના ખેડૂતો દ્વારા સરકારને સદબુદ્ધિ માટે હવન કરવામાં આવ્યો હતો. જેમાં સરકારને સદબુદ્ધિ આપોપ સ્વાહા, ખેડૂતોને કર્જ મુક્ત કરોપ સ્વાહા, પાણી આપો નહિ તો ૨૦૧૯માં ઘરભેગા થશો … સ્વાહા, પશુધન બચાવવા પાણી આપોપસ્વાહા, સરકાર ખોટા વચન આપવાનું બંધ કરેપસ્વાહા જેવા માર્મિક ઉચ્ચારણ કરી હવનમાં આહુતિઓ આપવામાં આવી હતી.