(એજન્સી) તા.૧૮
ભારતીય મૂળના એક ખ્રિસ્તી બિઝનેસમેને સંયુક્ત અરબ અમીરાતમાં મુસ્લિમ કર્મચારીઓ માટે એક મસ્જિદ ભેટ કરી હતી. એટલે કે કહેવાનો અર્થ એમ છે કે તેમણે મસ્જિદના નિર્માણ માટે તથા રમઝાન માસમાં કર્મચારીઓને રાહત મળી રહે તે માટે તેમણે મસ્જિદના નિર્માણકાર્ય માટે ૩ લાખ અમેરિકી ડોલરનું દાન કર્યુ હતું. યુએઈના મીડિયા અહેવાલો અનુસાર સાજી ચેરિયાન(૪૯) ભારતના કેરળના કયામકુલમના વતની છે અને તેમણે મુસ્લિમ વર્કરો માટે એક મસ્જિદનું નિર્માણ કરાવી આપ્યું હતું. તેઓ ફુજીરિયાહની ૫૩ કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેમણે આ મસ્જિદને મરિયમ, ઉમ્મ આઈશા નામ આપ્યું છે. ચેરિયાન કહે છે કે જ્યારે મેં જોયું કે મુસ્લિમ કર્મચારીઓને જ્યારે પોતાનું કામ દરમિયાન નમાઝ પઢવા માટે કોઈ નજીકની મસ્જિદ સુધી પહોંચવા માટે ટેક્સી કરીને જવું પડતું હતું તો મને આ જોઈ સારું ન લાગ્યું. મેં આ મામલે ગંભીર નોંધ લીધી. મસ્જિદ સુધી પહોંચવા માટે કર્મચારીઓ લગભગ ૨૦ દિરહામનો ખર્ચ કરીને જતા હતા. જુમ્માની નમાઝ માટે તેમણે ફરજીયાત ખર્ચ કરવો પડતો હતો. એટલા માટે જ મેં નક્કી કર્યુ કે હું તેમને ખુશી આપવાનો પ્રયાસ કરીશ અને તેમના માટે એક મસ્જિદની વ્યવસ્થા કરી આપીશ. જેથી તેમના પૈસા પણ બચે. ચેરિયાન યુએઈમાં લગભગ ૨૦૦૩થી સક્રિય છે અને તેઓ ત્યારે ફક્ત અમુક દિરહામ લઈને જ આવ્યા હતા અને હવે તેમણે ૧.૩ મિલિયન દિરહામ અનેક મસ્જિદો માટે આપ્યા હતા. ઈસ્ટ વિલે રિયલ એસ્ટેટ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત આ મસ્જિદમાં દરરોજ ૨૫૦ જેટલા મુસ્લિમ ભાઈઓને નમાઝ અદા કરવાની સુવિધા મળી રહે છે. આ વિસ્તાર અલ હાયલ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ છે. જોકે ૭૦૦ જેટલા લોકો સારી રીતે નમાઝ અદા કરી શકે તેટલી સુવિધા આ મસ્જિદમાં છે. આ મસ્જિદનું બાંધકામ લગભગ એક વર્ષ પહેલા શરૂ થયું હતું અને હાલમાં આ મસ્જિદ ખૂલ્લી મૂકી દેવામાં આવી છે. ફુજીરાયાહ અવકાફે પણ તેના માટે ભરપૂર મદદ કરી છે.