(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫,
ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત કોડીન નામની સિરપનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોરમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી ૪૩ નંગ સિરપની બોટલો કબ્જે કરી મેડિકલ સ્ટોરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ સામે પોલીસ તંત્ર સામે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના પો.ઇ. જે.જે. પટેલને નવાયાર્ડમાં આવેલ શિવાલી મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત કોડીન નામનું સિરપ વેચવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી કોડીનનું સિરપ લઈને આવનાર બે વ્યકિતઓની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. તેમણે આ બોટલો દવાની દુકાન ઉપરથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે મેડિકલ સ્ટોરમાં તપાસ કરતાં નશાયુક્ત કોડીન સિરપની ૪૩ નંગ બોટલો કબ્જે કરી હતી. સ્ટોરના માલિક ઉમેશભાઇ કુંદનલાલ કાબરા (રાજસ્થાન સોસાયટી, કારેલીબાગ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.