અમદાવાદ, તા.૯
થોડા દિવસો પહેલાં જામનગરમાં એડવોકેટ કીરીટ જોષીની જાહેરમાં છરીના ઘા ઝીંકી કરાયેલી કરપીણ હત્યાના ચકચારભર્યા કેસમાં હજુ સુધી ગુનો ડિટેકટ નહી થઇ શકતાં તેમ જ આરોપીઓ વિશે કોઇ નક્કર પુરાવાઓ હાથ નહી લાગતાં રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવાનો નિર્ણય જાહેર કર્યો છે. ડીજીપીએ કરેલા આદેશને પગલે હવે એડવોકેટ કીરીટ જોષીની હત્યાના કેસના સમગ્ર મામલાની તપાસનો દોર શહેર ક્રાઇમબ્રાંચે સંભાળી લીધો છે. સ્થાનિક પોલીસ આ કેસમાં કોઇ અસરકારક કે પરિણામલક્ષી કામગીરી નહી બજાવી શકતાં રાજયના ડીજીપી દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગરના જાણીતા વકીલ કીરીટ જોષી ગત તા.૨૯-૪-૨૦૧૮ના રોજ પોતાની ઓફિસેથી નીચે ઉતરી જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ જાહેરમાં ટ્રાફિકની અવરજવર અને લોકોની હાજરી વચ્ચે કીરીટ જોષીને પકડીને તેમને પેટમાં અને છાતીના ભાગે ચપ્પા-છરી વડે ઉપરાઉપરી ઘા ઝીંકી રહેંસી નંખાયા હતા. જેના કારણે કીરીટ જોષી લોહીલુહાણ હાલતમાં રોડ પર જ ફસડાઇ પડયા હતા, તેમની હત્યા બાદ હત્યારાઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બીજીબાજુ, કીરીટ જોષીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડુ થઇ ગયું હતુ અને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગંભીર અને જીવલેણ હુમલામાં એડવોકેટ કીરીટ જોષીને ૨૦થી વધુ ઘા મરાયા હોવાની વાત સામે આવી હતી અને ગંભીર ઇજાના કારણે જ તેઓ મોતને ભેટયા હતા. કીરીટ જોષીની હત્યાને પગલે સમગ્ર રાજયના વકીલઆલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ સમગ્ર બનાવ અંગે જામનગર જિલ્લાની સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુના રજિસ્ટર્ડ નંબર-૧૧૫/૨૦૧૮ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ઇપીકો કલમ-૩૦૨,૧૨૦(બી) તથા જીપી એકટની કલમ-૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે, જામનગરની સ્થાનિક પોલીસને આટલા દિવસો બાદ પણ હત્યારાઓ સુધી પહોંચવામાં કે નક્કર કડી મેળવવામાં સફળતા નહી મળતાં હવે રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ એડવોકેટ કીરીટ જોષીની હત્યાના સમગ્ર મામલાની તપાસ તાત્કાલિક અસરથી આજે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. ડીજીપી તરફથી આ કેસના તમામ કાગળો અને સંબંધિત દસ્તાવેજો પણ તાત્કાલિક અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવા અંગે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને હુકમ કર્યો હતો. તો સાથે સાથે આ આદેશની જાણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શહેર ક્રાઇમ બ્રાંચના નાયબ પોલીસ કમિશનરને પણ સત્તાવાર રીતે કરવામાં આવી હતી.