(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ગત વર્ષ કરતા ઘટયો હોવાનો દાવો પોલીસ કરી રહી છે. પરંતુ ઘટયા પછી તો પણ ગુનાખોરીનો આંકડો ચોકાવનારો છે. અમદાવાદ શહેરમાં જ એક વર્ષમાં ૮૦ ખૂન, ૪૧ ધાડ અને ૩૩૦ લૂંટના ગુના નોંધાયા છે. જયારે રાયોટિંગના ૧૩૮ અને ૪૧ર તો અપહરણના ગુના સહિત કુલ ૯૮૬૦ ગુના નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીમાં માત્ર ૧૪૮ ગુના ઓછા છે. ત્યારે ખરેખરમાં આને ક્રાઈમનો ગ્રાફ ઘટયો કહેવાય છે કે કેમ તે એક સવાલ છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વર્ષ ર૦૧૮માં કુલ ૧૦,૦૦૮ ગુના નોંધાયા હતા. જેની સામે વર્ષ ર૦૧૯માં ૯૮૬૦ ગુના નોંધાયા છે. એટલે ૧૪૮ ગુના ઓછા નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ખૂનના કેસોમાં ૧૮ ગુનાના ઘટાડા સાથે ૮૦ થયા છે. ધાડના ગુનામાં ૧૧ના ઘટાડા સાથે ૪૧, લૂંટના ગુનામાં ૧૪ ઘટાડા સાથે ૩૩૦ જયારે ઘરફોડ ચોરીમાં રપના ઘટાડા સાથે પર૮ ગુના નોંધાયા છે. તો રાયોટિંગમાં પ૦ના ઘટાડા સાથે ૧૩૮ ગુના નોંધાયા છે. તદઉપરાંત શહેરમાં અસામાજિક પ્રવૃતિની ટેવ ધરાવતા ૧પ૧૮ ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. જો કે વર્ષ ર૦૧૮માં ૧ર૬૦ ગુનેગારો પાસા કરાઈ હતી. આમ અમદાવાદમાં પ્રથમવાર ૧પ૦૦થી વધુ ગુનેગારોને પાસા કરાઈ છે. એટલે ગત વર્ષ કરતા રપ૮ વધુ ગુનેગારોને પાસા કરવામાં આવી છે. જો કે ૧પ૦૦ને પાસા કરાઈ જેમાં ૧૦૦થી વધુ ગુનેગાર સરદારનગરના છે. વધુમાં પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ તા.૩૧ ડિસેમ્બરના રોજ દારૂ પીનારા અને દારૂ પીને વાહન ચલાવનારા લોકોને પકડયા પોલીસે ખાસ ડ્રાઈવ રાખી હતી. જેમાં દારૂ પીને વાહન ચલાવતા ૬૭ લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. જયારે મહિલાઓની છેડતી, જાતિય સતામણી જેવા ગુના રોકવા માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ એસએચઈ ટીમ બનાવવામાં આવી છે. આ એસએચઈ ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ રોમિયોગીરી કરતા ૩પ૪ રોમિયોને પકડી પાડવામાં આવ્યા છે. જયારે શહેરમાં એકલવાયુ જીવન જીવતા સિનિયર સિટીઝનની સુરક્ષા અને સંભાળ રાખવા માટે નમન આદર સાથે અપનાપન પ્રોગ્રામ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એકલવાયુ જીવન જીવતા સિનિયર સિટીઝનને આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સહાયતા મળે અને તેઓ પોતાના નિવાસસ્થાને સુરક્ષિત રહી અને તેમની સંભાળ લેવાય તે હેતુથી સિનિયર સિટીઝનોની પોલીસ સ્ટેશને નોંધણી કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી કુલ ૬૮૦ જેટલા સિનિયર સિટીઝનોની નોંધણી કરાઈ છે. જયારે આગામી સમયમાં કુલ પાંચ હજાર જેટલા સિનિયર સિટીઝનોની નોંધણી કરી તેમની સંભાળ લેવાનું નક્કી કરાયું છે. આ પ્રોગ્રામ અંતર્ગત પખવાડિયામાં એક વખત પોલીસ સિનિયર સિટીઝનોની મુલાકાત લઈને તેમના દૈનિક જીવનની મુશ્કેલીઓ દુર કરવા સહિત પરિવારના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કાઉન્સેલીંગ પણ કરાશે. એમ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.

સાયબર ક્રાઈમમાં છેતરપિંડી નાણાં પરત અપાવવાના કાર્યને વેગ અપાશે

અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ સાયબર ક્રાઈમના વધતા ગુનાને જોતા ટૂંક સમયમાં આ મામલે અસરકારક પગલાં ભરીને નવી જાહેરાત કરાશે, તેમજ સાયબર ક્રાઈમમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને છેતરપિંડીના નાણાં પરત અપાવવાની દિશામાં વધુ અસરકારક પગલાં ભરાશે. જેના લીધે લોકોને વધુ લાભ મળશે.

અમદાવાદ પોલીસ યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરશે

અમદાવાદ પોલીસની સુવિધા અને તેની કામગીરીથી લોકોને અવગત કરાવવા હાલ સોશિયલ મીડિયામાં ટ્‌વીટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકમાં અમદાવાદ પોલીસનું એકાઉન્ટ હાલ કાર્યરત છે, તેમાં પણ સુધારો કરીને વધુને વધુ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. તદ્‌ઉપરાંત અમદાવાદ પોલીસના નામે યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમયમાં જ આ યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરાશે.

CCTV લગાવવા ફંડ અપાશે

અમદાવાદ શહેરમાં ઘણા ગુનાઓને ઉકેલવામાં સીસીટીવી ખૂબ જ મહત્ત્વના છે, ત્યારે સીસીટીવીનો મહત્ત્વનો રોલ છે, એટલે વધુને વધુ લોકો સીસીટીવી કેમેરા લગાવે તે માટે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ફંડ અપાશે.

SHE ટીમને ૪૦ વાન અપાઈ

મહિલાઓ સુરક્ષા અનુભવે તે માટે છેડતી, જાતિય સતામણી જેવા ગુના અટકાવવા અમદાવાદના તમામ પર પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરાઈ છે, ત્યારે હવે શી ટીમને રોમિયોને પકડવાની સાથે સાથે ઘરેલુ અત્યાચાર જેવા ગુનાઓમાં ભોગ બનનાર અને પરિવાર સાથે જરૂરી કાઉન્સેલિંગની કામગીરી પણ સોંપાઈ છે, ત્યારે શી ટીમને જરૂરી પેટ્રોલિંગ કરવા માટે નિર્ભયા ફંડ અંતર્ગત ૪૦ જેટલી વાન અપાઈ છે.

વ્યાજખોરો પર લગામ કસાશે

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસની છેલ્લા ૧પ દિવસમાં સાત જેટલી ફરિયાદ અને એક વેપારીની આપઘાતની ઘટના મામલે અમદાવાદ પોલીસે વ્યાજખોરો પર લગામ કસવાનું આયોજન કર્યું છે. જેમાં વ્યાજખોરોના વ્યવહારોનું રેકર્ડ નોંધાયેલું છે કે કેમ ? તેમના વ્યવહારો અંગે મની લોન્ડરિંગમાં તપાસ બાદ તેઓના રેકર્ડનું ઓડિટ થાય છે કે કેમ ? સહિતની દિશામાં તપાસ થશે. ત્યારબાદ પૂરતા પગલાં ભર્યા બાદ વ્યાજખોરોને પાસા કરવાનું આયોજન છે.