(સંવાદદાતા દ્વારા)
આણદ, તા.૨૪
આણંદ તાલુકાનાં કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં રાજ્યના સૌથી મોટા ૧૫૦ આઈસીયુ બેડની ક્ષમતા ધરાવતા ૧૭ કરોડના ખર્ચે નિર્મિત વે-મેડ ક્રિટીકલ કેર સેન્ટરનું આજે દાતાના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રારંભમાં ચારૂતર આરોગ્ય મંડળના મેનેજીંગ ટ્રસ્ટી જાગૃત પટેલે પ્રાસંગિક પ્રવચન કરી આ ક્રિટીકલ કેર સેન્ટર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આયુષ્યમાન સહિત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગંભીર પ્રકારની બીમારીઓ અને અકસ્માતના બનાવોમાં હવે સારવાર આપવી શક્ય બની છે. ત્યારે દિવસે-દિવસે આઈસીયુ બેડની જરૂરિયાત વધતી જાય છે. ત્યારે એનઆરઆઈ દાતા વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલ શાંતા ફાઉન્ડેશન લંડનના સહયોગથી વિજયભાઈ પટેલે વે-મેડ ક્રિટીકલ કેર સેન્ટરના નિર્માણમાં ૮ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જ્યારે પ્રથમ માળ નેસ્કો લિમિટેડ અને બીજો માળ સાર્લોટ પાટીદાર સમાજ યુએસએનાં દાનથી આ નિર્માણ કરવામાં આવ્યું છે અને દરેક ફ્લોરમાં ૩૪ આઈસીયુ બેડની ક્ષમતા છે અને આઈસીયુ બેડને દરેક ફ્લોર બે વોર્ડમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ ફ્લોર સંપૂર્ણ રીતે પ્રી-વીલેજ દર્દીઓ માટે અને બીજો માળ જનરલ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે અને દર્દીઓની સંખ્યા વધતા ત્રીજા માળે ૩૪ આઈસીયુ બેડની પ્રોવીઝનલ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ ચેપ લાગે તેવા દર્દીઓ માટે આઈસોલેશન વિભાગની પણ વ્યવસ્થા દરેક ફ્લોર પર રાખવામાં આવી છે. આ પ્રસંગે પૂર્વ ચેરમેન અમૃતાબેન પટેલે કહ્યું હતું કે, આ સુવિધાથી સામાન્ય પ્રજાને આઈસીયુ બેડની સુવિધા પ્રાપ્ત થશે અને ગંભીર સ્થિતિમાં દર્દીનો જીવ બચાવી શકાશે. આ ક્રિટીકલ કેરનાં નિર્માણથી તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંડળના ચૅરમેન અતુલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધુ આઈ.સી.યુ. બેડની વ્યવસ્થા થતાં જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે અદ્યતન સારવાર પૂરી પાડવામાં આવશે અને સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે તેવા દર્દીઓને પણ આધુનિક સારવાર મળી રહેશે. વિજયભાઈ પટેલને માનવતાવાદી કાર્ય માટે આ વર્ષે ઑર્ડર ઑફ બ્રિટિશ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું.
વિજયભાઈ પટેલે જણાવ્યું કે, મારા માતા શાંતાબેનના નામથી અમે બંને ભાઈઓ યુ.કે.માં શાંતા ફાઉન્ડેશન હેઠળ ભારત, કૅન્યા અને યુ.કે.માં શિક્ષણ, આરોગ્ય અને આશ્રયસ્થાનના વિવિધ ચૅરિટેબલ પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ. વેમેડ ક્રિટીકલ કૅર સેન્ટરના નિર્માણમાં લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ, યુ.કે.ના મિત્રોએ પણ ફંડ એકત્રિત કરવામાં સહાય કરી છે.
ભીખુભાઈ પટેલે જણાવ્યું કે, શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર રોગોની સારવારઅર્થે આવતા દર્દીઓની સંખ્યા વધતાં ક્રિટીકલ કેર બાંધવાની જરૂરિયાત ઊભી થતાં સેન્ટરના બાંધકામમાં શાંતા ફાઉન્ડેશન હેઠળ મદદ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ થકી વધુને વધુ ગંભીર રોગોના દર્દીઓને સારવાર આપવામાં આવશે. સંસ્થાએ અંદાજિત બજેટમાં અને સમયસર આ સેન્ટરનું નિર્માણ કર્યું છે જે પ્રશંસાને પાત્ર છે.
જાગૃત ભટ્ટે જણાવ્યું કે, ઓડના વતની વિજયભાઈ અને ભીખુભાઈ પટેલને વતન માટે ચેરિટીના કાર્યો કરવાની પ્રેરણા નાનપણથી જ તેમની માતાએ આપી હતી. એકલા હાથે બાળકોનો ઉછેર કરીને પણ તેઓ નાનું મોટું દાન કરતાં. જેનાથી પ્રેરાઈને શાંતા ફાઉન્ડેશન, લંડન દ્વારા વેમેડ ક્રિટીકલ કેર સેન્ટર શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે, વેમેડ, એજ્યુકેશન કૉલેજ ચારૂતર વિદ્યામંડળ ખાતે અને દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવા અનુપમ મિશનમાં ઉદાર હાથે દાન કર્યું છે.