અમદાવાદ તા. ૬
શહેરમાં સવારે ધીમીધારે પડેલા વરસાદ વચ્ચે આગનો બનાવ સામે આવ્યો છે. આ આગ કોઈ ફેક્ટરીમાં નહીં પરંતુ એક એટીએમમાં લાગી છે. આગને પગલે એટીએમમાં રહેલી ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવી આગને આસપાસની દુકાનોમાં પ્રસરતી અટકાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના CTM વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે પર કર્ણાવતી બંગ્લોઝના ગેટ પાસે ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે બાદમાં ફાયર બ્રિગેટને જાણ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જેનાથી બાજુની દુકાનમાં આગને કારણે નુકસાન થતું અટકી ગયું હતું. આકસ્મિક રીતે આગ લાગી જતાં સ્થાનિક આગેવાનો પણ દોડી આવ્યા હતા અને તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતા આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આગને કારણે એટીએમ અને તેમાં રહેલા પૈસા બળીને ખાખ થઈ ગયા હતા.
આગ લાગી તે દુકાનમાં બેંકનું એક પાસબુક, મશીન અને બે એટીએમ મશીન હોવાનું માલુમ પડ્યું છે.