અમદાવાદ,તા.૪
શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં કુરિયર આપવા આવેલા યુવકે પાણી પીવાને બહાને ઘરમાં ઘૂસી સગીરાને બાથમાં ભીડી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. સગીરા યુવકને ધક્કો મારી ઘરમાંથી બહાર ભાગી બુમાબુમ કરતાં ફ્લેટના રહીશો દોડી આવ્યા હતા અને કુરિયર બોયને ઝડપી લીધો હતો. સાબરમતી પોલીસે આરોપી કુરિયર બોયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ન્યૂ રાણીપમાં આવેલા ફ્લેટમાં ૧૫ વર્ષીય સગીરા તેનાં માતા પિતા સાથે રહે છે. ગઈ કાલે બપોરે સગીરા તેના ઘરે એકલી હતી. ત્યારે સૂરજ નામનો યુવક કુરિયર લઈને સગીરાના ઘરે આવ્યો હતો. સગીરાએ સહી કરી કુરિયર લઈ લીધું હતું.
કુરિયર આપ્યા બાદ સૂરજે સગીરા પાસે પાણી માગ્યું હતું. સગીરા ઘરમાંથી પાણી લઇ તેને આપ્યું હતું. ઘરમાં સગીરા એકલી હોવાનું સૂરજને લગતાં બે વખત પાણી માગ્યા બાદ ત્રીજી વખત પણ પાણી માંગ્યું હતું, ત્રીજી વખત સગીરા ઘરમાં ગઈ ત્યારે તે તેની પાછળ અંદર ગયો હતો.
પાછળથી સગીરાનો હાથ પકડી અને કમરથી તેને બાથમાં ભીડી લીધી હતી. કુરિયર બોયનાં આવા વર્તનથી હેબતાઈ સગીરા તેને ધક્કો મારી બહાર ભાગી ગઈ હતી. બહારથી તેણે દરવાજો બંધ કરી લીધો હતો અને બુમાબુમ કરી હતી.
યુવક જોરથી ધક્કો મારી દરવાજો ખોલી ભાગવા જતો હતો ત્યારે ફ્લેટના રહીશોએ તેને ઝડપી લીધો હતો. પોલીસને જાણ કરાતાં સાબરમતી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આરોપી કુરિયર બોય સૂરજની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.