(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જુલાઇ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ દરમિયાન ઘરેલું ખર્ચ કે ગ્રાહક વપરાશ પર કરવામાં આવેલા સર્વે પર આધારિત રિપોર્ટમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ચાર દાયકાથી પણ વધુ સમયમાં પહેલી વાર ગ્રાહક ખર્ચમાં ઘટાડો થયો છે. એનએસઓનો આ રિપોર્ટ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું સપનું જોઇ રહેલી કેન્દ્ર ખાતેની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને જીડીપી કરતા પણ મોટો ફટકો છે. એનએસએના ડેટાને ટાંકીને બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં એક વ્યક્તિ દ્વારા પોતાના ઘરેલું ખર્ચ પર ૧૫૦૧ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આ આંકડો ૩.૭ ટકા ઘટીને ૧૪૪૬ રૂપિયા માસિક પર આવી ગયો છે. એટલે કે છ વર્ષણાં આટલો ઘટાડો નોંધાયો છે. ચાર અજ્ઞાત અધિકારીઓએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે રિપોર્ટમાં ‘વિપરીત તારણો’ને કારણે સર્વેનો રિપોર્ટ અત્યાર સુધી રોકી રાખવામાં આવ્યો છે. એટલે કે એનએસઓનો ડેટા હજી બહાર પાડવામાં આવ્યો નથી. એક અહેવાલ મુજબ આ સર્વે રિપોર્ટ ૨૦૧૯ની ૧૯મી જૂને જારી કરવાનો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉપભોક્તા ખર્ચમાં આ ઘટાડો દેશમાં ગરીબી વ્યાપક હોવા અને માગમાં ઘટાડો થયો હોવાની બાબત તરફ ઇશારો કરે છે. જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના એસોસિએટ પ્રોફેસર હિમાન્સુએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે છેલ્લે ૧૯૭૨-૭૩ના નાણાકીય વર્ષમાં વપરાશમાં ઘટાડો થયો હતો. હિમાન્સુને એમ કહેતા પણ ટાંકવામાં આવ્યા છે કે ઓછામાં ઓછા છેલ્લા પાંચ દાયકામાં ખરેખર વપરાશ ખર્ચમાં ક્યારેય ઘટાડો થયો નથી. તેમણે એવું પણ કહ્યું કે ખાસ કરીને ગામડાઓમાં ખાદ્ય ખર્ચમાં ઘટાડો ં એવું દર્શાવે છે કે ગામડાઓમાં કુપોષણમાં વધારો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોના ખર્ચમાં ૮.૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો બે ટકા વધુ છે.
અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે દાયકાઓમાં પહેલી વાર ખાદ્ય વપરાશમાં પણ ઘટાડો થયો છે. ડેટા બતાવે છે કે ૨૦૧૧-૧૨ના નાણાકીય વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં આહાર પર માસિક માથાદિઠ ઘરેલું ખર્ચ ૬૪૩ રૂપિયાની સરખામણીએ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં આ ખર્ચ ઘટીને ૫૮૦ રૂપિયા થઇ ગયો હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો ૯૪૩થી વધીને ૯૪૬ થઇ ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં અખાદ્ય ખર્ચ ૭.૬ ટકા ઘટ્યો છે પરંતુ શહેરી વિસ્તારોમાં તેમાં ૩.૭ ટકાનો વધારો થયો છે. અધિકારીઓએ બિઝનેસ સ્ટાન્ડર્ડને કહ્યું છે કે એનએસઓના સર્વે રિપોર્ટમાંના વિપરીત ડેટાની ચકાસણી કરવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી પેટા-સમિતિએ ગયા મહિને જણાવ્યું કે સર્વેમાં કોઇ ખામી નથી.

રાહુલ ગાંધી બોલ્યા – ‘મોદીનોમિક્સ’એ આટલું નુકસાન કરી દીધું કે સરકાર પોતાનો જ રિપોર્ટ છૂપાવી રહી છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ચાર દાયકાથી પણ વધુ સમયમાં પહેલી વાર ગ્રાહક ખર્ચમાં ઘટાડો થયો હોવાનો નેેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જુલાઇ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ દરમિયાન ઘરેલું ખર્ચ પર કરવામાં આવેલા સર્વે પર આધારિત રિપોર્ટ જારી નહીં કરવા બદલ શાસક ભાજપની ટીકા કરી છે. તેમણે મોદી સરકાર સામે એવો આરોપ મૂક્યો છે કે ‘મોદીનોમિક્સ’ (મોદીનું અર્થશાસ્ત્ર)એ એટલું બધું નુકસાન કરી દીધું છે કે હવે મોદી સરકારને જ પોતાનો જ રિપોર્ટ છુપાવવો પડી રહ્યો છે. એનએસઓનો રિપોર્ટ ટાંકીને રાહુલ ગાંધીએ એવું ટિ્‌વટ કર્યું છે કે આ રિપોર્ટ મુજબ વ્યક્તિ દિઠ માથાદિઠ વપરાશ ખર્ચ (એમપીસીઇ)ના આંકડા વાસ્તવિક સંદર્ભમાં છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ એનએસઓના આ રિપોર્ટને ટાંકીને મોદી સરકાર સામે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ફરી એક વાર પૂરવાર થઇ ગયું છે કે નોટબંધી અને ઉતાવળે લાગુ કરવામાં આવેલા જીએસટીથી દેશના અર્થતંત્રને ભારે હાનિ પહોંચી છે.

લોકો લગ્ન કરી રહ્યા છે અને એરપોટ્‌ર્સ ભરચક હોવાથી અર્થતંત્ર સારૂં ચાલી રહ્યું છે : કેન્દ્રીય પ્રધાન

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ચાર દાયકાથી પણ વધુ સમયમાં પહેલી વાર ગ્રાહક ખર્ચમાં ઘટાડો થયો હોવાનો અહેવાલ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન સુરેશ અંગાડીએ શુક્રવારે એવી ટિપ્પણી કરી છે કે લોકો લગ્ન કરી રહ્યા છે અને એરપોટ્‌ર્સ તેમ જ ટ્રેનો ભરચક હોવાથી અર્થતંત્ર સારૂં ચાલી રહ્યું છે. તેમણે એવો દાવો પણ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડવા માટે આર્થિક મંદી વિશે લોકો આક્ષેપો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આર્થિક મંદી દૂર થઇ જશે.