(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવ્યા છતાંય કેન્દ્ર સરકારે ગયા મંગળવારે કેન્દ્રીય વિજિલન્સ કમિશનર અને કેન્દ્રીય માહિતી કમિશનરની નિમણૂંક બાબત જાહેર કરી નાંખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ઉચ્ચ કક્ષાની સમિતિએ સંજય કોઠારીને સીવીસી અને બિમલ જુલ્કાને સીઆઈસી બનાવ્યા છે. જો કે, સમિતિમાં વિપક્ષી સભ્ય અધીર રંજન ચૌધરીએ આ બન્ને નિમણૂંકો બાબત ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. કોઠારી હાલમાં ભારતના રાષ્ટ્રપતિના સચિવ છે અને જુલ્કા કાર્યરત માહિતી કમિશનર છે. આ નિમણૂંકો માટે યોજાયેલ મીટિંગમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, પી.એમ.ઓ. અને ડીઓપીટીના રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહ, કોંગ્રેસ નેતા ચૌધરી, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને ડીઓપીટી સચિવ સી.ચંદ્રમૌલી સામેલ હતા. ચૌધરીએ કહ્યું કે, સીવીસીની નિમણૂંક માટે પીએમઓ દ્વારા અપાયેલ દસ્તાવેજો સર્ચ કમિટીમાં જ અનિયમિતતાઓનો ખુલાસો થઈ રહ્યો છે. એમણે કહ્યું કે, સમગ્ર પ્રક્રિયા જ પ્રશ્નોના ઘેરાવામાં છે કારણ કે પસંદગી સમિતિના એક સભ્ય નાણાં સચિવ રાજીવકુમારે આ હોદ્દા માટે અરજી પણ આપી હતી અને સર્ચ કમિટીએ એમને સીવીસીના હોદ્દા માટે પસંદ પણ કર્યા હતા. રાજીવકુમાર પસંદગી કરાયેલ ૧ર૬ સભ્યોમાંથી એક હતા અને છેલ્લે સુધી વિપક્ષી સભ્યો દ્વારા વિરોધો કરવા બદલ એમને આમાંથી બહાર કરાયા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, વડાપ્રધાનની બંધારણીય જવાબદારી છે કે, એ સરકારી પ્રક્રિયાઓની અખંડતાની રક્ષા કરે પણ થઈ એ રહ્યું છે કે, વિજિલન્સ કમિશનને સરકારના સુરક્ષા કવચમાં બદલમાં આવી રહ્યું છે. અમોએ મોદીના પહેલાંના કાર્યકાળમાં સીવીસીના વર્તનને જોયું છે. વડાપ્રધાને ભ્રષ્ટાચાર સામે લડવા માટે બનાવેલ સંસ્થાકીય માળખાને ધ્વંસ કર્યું છે. એમણે આક્ષેપો કર્યા કે સમગ્ર પ્રક્રિયાને માત્ર એક કાગળની ઔપચારિકતામાં બદલી નાંખ્યું છે.