(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
વિવાદાસ્પદ રાફેલ સોદા મુદ્દે મોદી સરકાર વિરૂદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખતા કોંગ્રેસ આ મુદ્દાને સેન્ટ્રલ વીજીલન્સ કમિશન(સીવીસી) સમક્ષ લઇ ગઇ છે. કથિત ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે સીવીસી સમક્ષ આ સોદાની સ્વતંત્ર તપાસ કરાવવાની માગ કરતા ૩૬ રાફેલ જેટના સરકારી સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ સીવીસી કેવીચૌધરીને મળ્યું હતું અને આવેદન પત્ર સોંપી રાફેલ સોદાને એચએએલને બદલે ભારતીય ઉદ્યોગપતિને સોંપી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખવાનો સરકાર પર આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે, આ ભારતનું સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, અહમદ પટેલ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, રણદીપ સૂરજેવાલા, જયરામ રમેશ, અભિષેક મનુ સિંઘવી, મનિષ તિવારી, વિવેક ટાંખા, પ્રમોદ તિવારી અને પ્રણવ ઝાનો સમાવેશ થાય છે. પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સોદામાં સતત નવા ખુલાસા થયા બાદ પણ આજ દિન સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી કોઇ જવાબ અપાયો નથી. રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર અને મૂડીવાદીતા સામે આવી છે તથા તમારા સાનિધ્યમાં આની તાત્કાલિક તપાસ થવી જરૂરી છે.
કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યુ છે કે, અમારૂ એક પ્રતિનિધિ મંડળ સીવીસીને મળ્યું છે અને અમે તેમને એક આવેદન પત્ર પણ આપ્યું છે. અમે માગ કરી છે કે, આ મુદ્દા સાથે જોડાયેલી તમામ ફાઇલો જપ્ત કરવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે. ગત સપ્તાહે કોંગ્રેસે દેશના નિયંત્રક અને મહાલેખા (કેગ) સાથે મુલાકાત કરી હતી. પાર્ટીએ કેગ સમક્ષ સોદામાં કથિત અનિયમિતતા અંગે એક રિપોર્ટ તૈયાર કરવા અને તેને સંસદમાં રજૂ કરવા અપીલ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ રવિવારે જણાવ્યું હતું કે, પાર્ટીએ આ પ્રકારનો અનુરોધ કરવાની સાથે જ આ અંગે ભ્રષ્ટાચારનો એક કેસ નોંધવા માગ કરશે. રાફેલ મુદ્દે પોતાના પ્રહારો ઝડપી બનાવતા કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુપ્તતતાના શપથનું ઉલ્લંઘન કર્યું છે, કોેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, હવે સમય આવી ગયો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલી જુઠ્ઠું બોલવાનું બંધ કરે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે સત્ય સામે લાવવા માટે સંયુક્ત સંસદીય સમિતી જેપીસી પાસે તપાસ કરાવવાની માગ પર ભાર મુક્યો હતો. રાફેલ સોદા મુદ્દે ભાજપ સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ લડાયક મૂડમાં છે જેમાં તેણે આરોપ મુક્યો છે કે, નરેન્દ્ર મોદી દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે અને કાયદાનો ભંગ કરાયો છે સાથે જ કોંગ્રેસે તેમની પાસે જવાબ માગ્યો છે. કોંગ્રેસ એવો પણ આરોપ મુકી રહી છે કે, આ સોદામાં વડાપ્રધાન, નાણા પ્રધાન અરૂણ જેટલી અને સંરક્ષણ પ્રધાન જુઠ્ઠું બોલી રહ્યા છે. રાફેલ સોદામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ત્યારથી ચાલ્યો છે જ્યારથી ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ ખુલાસો કર્યો હતો કે, સોદામાં ભારતીય પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપનીને રાખવાનો નિર્ણય ભારત સરકારનો હતો.