(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
લિંબાયત ઝોનના ઈજનેરને ગાળો ભાંડવાની ઘટના પછી ભાજપના વિવાદાસ્પદ કોર્પોરેટર ભરત મોના વઘાસિયાની પોલીસે ધરપકડ કરીને જેલના પાંજરા પાછળ નાંખી દીધી હતા. ગઈકાલે સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સાથે ઝગડો કરીને કોર્પોરેટરે લાફો ઝીંકી દેતાં પોલીસે આખરે ધરપકડ કરી હતી. ભુતકાળમાં આ જ કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામ બાબતે ઉપરાણું લઈને વરાછાના કાર્યપાલક ઈજનેર અમિત દેસાઈ સાથે પણ જિભાજોડી કરીને પાલિકાની કામગીરી અટકાવી હતી.
પ્લાસ્ટીક ફ્રી સિટી ઝુંબેશ હેઠળ ઝોનમાં નીકળેલી ટીમે કરંજની રંગઅવધૂત સોસાયટી સામે મઢુલી ચાની દુકાનમાં તપાસ કરી ત્યારે દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકના ચા ના ગ્લાસ, ઓછા માઈક્રોઈન વાળી ઝભલા થેલીઓનો વ્યાપક જથ્થો મળી આવ્યો હતો. આ અગાઉ પણ બે થી ત્રણ વખત મઢુલીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાઈ ચુક્યું હોવાથી પાલિકાના કર્મચારીઓએ આકરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા પરંતુ કર્મચારીઓ દુકાનનું શટર બંધ કરતાં જ માલિકે ભાજપ કોર્પોરેટર ભરત મોના વઘાસિયાને તાત્કાલિક સ્થળ પર તેડાવ્યા હતા. ભરત મોનાએ આવતાની સાથે જ પાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરીને નગરસેવક તરીકેની છબિને બટ્ટો લગાડી દીધો હતો. કોર્પોરેટરે પાલિકાના કર્મચારીઓ પર પૈસા માંગ્યાનો આરોપ મુક્યો હતો. એટલું જ નહી જાણ કર્યા વિના વોર્ડમાં આવવા પર પણ પ્રતિબંધ જારી કરી દીધો હતો. પરંતુ પાલિકાના કર્મચારીઓ એકના બે થયા વિના દુકાન બંધ કરવા આગળ વધતાં કોર્પોરેટર ભરત મોનાએ અધિકારીઓને ધક્કો મારી લાફો ચોડી દેતાં મામલો ગરમાઈ ગયો હતો. આ મુદ્દે પાલિકાના સ્ટાફે કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવતા આખરે મોડીરાત્રે મઢુલી ચાના માલિક સુરેશ અને ભાજપના કોર્પોરેટર ભરત મોના વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને કોર્પોરેટર ભરત મોના અને ચા ના માલિકની પણ ધરપકડ કરી છે. આ બંનેને રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ પ્રોડ્યુસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમિત રાજપુત નામના ગટર સમિતિના અધ્યક્ષ અમિત રાજપૂતે લિંબાયત ઝોનના અધિકારીને ગાળો ભાંડી જોઈ લેવાની ધમકી આપી હતી. ટૂંકાગાળામાં જ આવો બનાવ બનતા ભાજપના નગરસેવકો સામે પાલિકાના કર્મચારીઓમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે.