(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
લંબે હનુમાન રોડ પર બિનઅધિકૃત ચાની લારી પરથી ઓછા માઈક્રોન વાળી પ્લાસ્ટિકની બેગ્સ મળી આવ્યા પછી ભાજપના દબંગ કોર્પોરેટરે જે હરકત કરી હતી તેના પરિણામ સ્વરૂપે પાલિકાએ આજે ચાની દુકાન પર બૂલડોઝર ફેરવીને વળતો ઘા કર્યો છે. પાલિકાના કર્મચારી પર હાથ ઉપાડનાર કોર્પોરેટરને જેલની હવા ખાવાનો પણ વખત આવ્યો હતો.
તાજેતરમાં જ લંબે હનુમાન રોડ પર પાલિકા દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓછા માઈક્રોન વાળી બેગ્સનો ઉપયોગ કરનાર દુકાન ધારકોને ચીમકી આપી તક આપવામાં આવતી હતી. પરંતુ એક ચ્હાની દુકાન પરથી ત્રીજીવાર ઓછા માઈક્રોન વાળી બેગ્સ મળી આવતા અધિકારીઓએ દુકાનને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને પગલે ભાજપના કોર્પોરેટર ભરત મોના ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તેણે અધિકારીઓ સાથે હલકી કક્ષાની ભાષામાં વાત કરીને જતાં રહેવા આદેશ કર્યો હતો. અધિકારીઓએ વિનંતીના સૂરમાં તમામ હકીકતથી અવગત કરાવ્યા હોવા છતાં ભરત મોનાએ તેમની વાત કાને ધરી ન હતી અને ક્રોધિત થઈને અધિકારીને લાફો ચોડી દીધો હતો. આ ઘટનાથી સમસમી ઉઠેલા કર્મચારીઓએ પાલિકાને માથે લીધી હતી. જેને પગલે ઉચ્ચ પદાધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા પરવાનગી આપી હતી.
અત્યંત હાઈપ્રોફાઈલ બની ગયેલા મામલામાં જે ચ્હાની દુકાન વાળો દાદાગીરી કરતો હતો તેની દુકાન જ બિનઅધિકૃત હોવાનું બહાર આવતા આજે પાલિકાની દબાણ હટાવ શાખાએ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે બૂલડોઝર ફેરવી દીધું હતું. આ સાથે જ તેની આજુબાજુમાં આવેલી દુકાનો પર પણ હથોડા ઝિંકવામાં આવ્યા હતા.