(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
છાયાપુરી રેલવે સ્ટેશનને વિકસાવવા માટે છાણીમાં ઊભા થયેલા ગેરકાયદેસર ૧૯૭ જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ આજે તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાએ છાણી પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને સમગ્ર ઓપરેશન શરૂ કર્યું હતું.
છાયાપુરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવ્યો હોવાથી ૧૫ મીટર રોડને અડીને છાણી પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પર ૧૯૭ જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાના ઊભા કરાયેલા દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. અગાઉ આ મામલે પાલિકાએ નોટિસ ઇશ્યૂ કર્યા પછી ગતરોજ અહીંના તમામ અસરગ્રસ્તોને દૂર ખસી જવા અંતિમ સૂચના આપી હતી. જે બાદ આજે પાલિકાની દબાણ શાખાએ ઓપરેશન હાથ ધર્યું હતું.
છાણી પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત મળ્યા બાદ દબાણ શાખા ઉપરાંત ટીપી, આરોગ્ય વિભાગ, એમજીવીસીએલ, ગેસ સહિતની ટીમોની મદદથી અહીંના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાના શરૂ કર્યા હતા. કેટલાક લોકોએ સ્વૈચ્છિક પોતાનો માલસામાન ખસેડી લીધો હતો. પાલિકાની ટીમે બુલડોઝર, ગેસ કટર, જેસીબી સહિતના સાધનો સાથે દબાણ તોડવાનું શરૂ કર્યું હતું.