ડભોઈ, તા.ર૧
ડભોઇ તાલુકાના સાઠોદ ગામે સંબંધીના ઘરે સામાજિક પ્રસંગમાં વડોદરા નજીક ઉમેટાના રિક્ષાચાલકને સાઠોદ નજીક ડભોઇ તરફથી પૂરઝડપે આવતા અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતાં રિક્ષામાં સવાર કુલ સાતમાંથી ૩નાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્યોને ડભોઇ તેમજ વડોદરા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ડભોઇ તાલુકાના સાઠોદ ગામે વડોદરાના ઉમેટા રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ વસાવા અને આડોશી-પાડોશી બાબરી પ્રસંગ પોતાની માલિકીની રિક્ષા નં.જીજે-૨૩-એયુ-૪૪૪૭ લઈને આવ્યા હતા. જ્યારે પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં ડભોઇ તરફથી પૂરઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં સવાર સંજયભાઈ ઘનશ્યામભાઈ વસાવા, તેમની પત્ની હિમાબેન સંજયભાઈ વસાવા, તેમની ૨ વર્ષીય દીકરી કિંજલ સંજયભાઈ વસાવા, તેમજ રોશની દિપકભાઈ મારવાડી, (રહે.સયાજીપૂરા, વડોદરા), સીતાબેન દિપકભાઈ મારવાડી અને ગાયત્રીબેન મણીલાલ વસાવા (રહે.નવીનગરી ડભોઇ) અને લીલાબેન રાવળનાઓ રોડ ઉપર ફંગોળાયા હતા. જ્યારે આ બનાવમાં ૨ વર્ષીય કિંજલ સંજયભાઈ વસાવા, રોશની દિપકભાઈ મારવાડી અને લીલાબેન રાવળનું મોત નીપજ્યુંં હતું. જ્યારે અન્યને નજીકના હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર બનાવને પગલે ૧ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો, તો આ બનાવની ડભોઇ પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.