વાપી, તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ જાન્યુઆરીએ દાદરા નગરહવેલીના સેલવાસની મુલાકાતે આવશે. જ્યાં તેઓ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. જેમાં મેડિકલ કોલેજ, રિંગરોડ તેમજ રિવર ફ્રન્ટનું લોકાર્પણ કરશે. સાથે જ જમીન-જંગલ હક્કના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપશે.
દમણ ખાતે રૂપિયા ૨૧ કરોડના ખર્ચે બનેલી પ્રોટેક્શન વોલનું પણ લોકાર્પણ કરશે. તેમજ કચીગામ-ઝરી દમણગંગા બ્રિજને વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લો મુકાશે. સાથે જ ૪.૨૧ એમ.એલ.ડી. ક્ષમતાવાળી સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મોટી દમણ ખાતેના આદિવાસી ભવન અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તૈયાર થયેલા મકાનોનું પણ લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં સ્વાગત માટે તથા પ્રજા અને પબ્લિકથી હાજરી બતાવવા માટે સમગ્ર દાદરા નગરહવેલીનું વહીવટી તંત્ર તથા તમામ અધિકારીઓ કામગીરીમાં વાગી ગયા છે. સુરક્ષા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. દાદરા નગરહવેલી ના સાંસદ સભ્ય તથા કંપનીના સંચાલકો દ્વારા દોડધામ ખૂબ જ કરવામાં આવી છે તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કામદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજર રહેવાની સુચના આપવામાં આવી છે.