(એજન્સી) તામિલનાડુ, તા.૮
ડીએમકેના વરિષ્ઠ નેતા અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિએ ૭ ઓગસ્ટના રોજ ચેન્નાઈના કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ એમના શરીરને દફન કરવા મુદ્દે વિવાદ ઊભો થયો છે જે અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કરૂણાનિધિ હિન્દુ હોવા છતાં તેમની અંતિમવિધિ કેમ કરવામાં નહીં આવે અને શા માટે તેમને દફનાવવામાં આવશે એવો ગણગણાટ શરૂ થયો છે. નોંધનીય છે કે, તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને પણ દફનાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં કરૂણાનિધિ અને જયલલિતા દ્રવિડ મૂવમેન્ટ સાથે જોડાયેલા હતા અને દ્રવિડ આંદોલન હિન્દુ ધર્મના બ્રાહ્મણવાદી પરંપરાઓ અને રિવાજોમાં વિશ્વાસ ધરાવતા નથી. સામાન્ય હિન્દુ પરંપરા વિરૂદ્ધ દ્રવિડ મૂવમેન્ટ સાથે જોડાયેલા નેતા તેમના નામ સાથે જાતિસૂચક શીર્ષકનો પણ ઉપયોગ કરતા નથી. કરૂણાનિધિ અને જયલલિતા અગાઉ AIADMKના વરિષ્ઠ નેતા એમ.જી.રામચંદ્રમને પણ દફનાવાયા હતા. જો કે DMK પાર્ટી કરૂણાનિધિને મરીના બીચ પર દફનાવવા માંગે છે. પરંતુ રાજ્ય સરકારે આ અંગે પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ મામલે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.