અમરેલી, તા.૨૪
સાવરકુંડલાના હાડીડા ગામે એકલા રહેતા વૃદ્ધા પોતાના ઘરમાં હતા. ત્યારે દિન દહાડે કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી વૃદ્ધાને દોરી વડે ગળાટૂંપો આપી હત્યા કરી વૃદ્ધાએ પહેરેલ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હત્યા અને લૂંટના બનાવને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ ડોગ સ્કોર્ડ તેમજ એફએસએલ ટીમની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલાના હાડીડા ગામે રહેતા નરેશભાઈ કાનજીભાઈ ઘોડાદરા (ઉ.વ.૭૨) આજે પોતાની લોન ટ્રાન્સફર કરવાના કામ અર્થે વીજપડી ગામે સવારે ૧૦ વાગ્યે જવા નીકળ્યા બાદ તેમના ઘરે તેમના પત્ની જાનબાઈ એકલા હોઈ જેથી કોઈ અજાણ્યા શખ્સોએ એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી જાનબાઈ બેનને મોઢા ઉપર ઓશીકું વડે ડૂચો દઈ તેમજ દોરી વડે ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી અને જાનબાઈબેને પહેરેલ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા. નરેશભાઈ વીજપડીથી ૧૧ વાગ્યે નીકળ્યા બાદ ૧૨ વાગ્યે ઘરે આવતા ઘરમાં તેમના પત્ની ખાટલામાં પડખાના ભાગે સૂતા હોઈ જેમને ઉઠાડતા હલનચલન ના થતા પડખું ફેરવતા નરેશભાઈના પત્ની જાનબાઈબેનના મોઢા ઉપર ઓશીકું હોઈ અને ગાળાના ભાગે દોરી વીંટાયેલ જોવા મળેલ અને શરીર ઉપર લોહીના નિશાન જોવા મળતા નરેશભાઈએ તેમના પિતરાઈ ભાઈને બોલાવી જોતા તેમની હત્યા કરાઈ હોવાનું જાણવા મળેલ હતું. બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં નરેશભાઈ કાનજીભાઈ ઘોડાદરાએ અજાણ્યા શખ્સો સામે હત્યા તેમજ પહેરેલ દાગીના કિંમત રૂા.૬૨,૮૦૦ની લૂંટની ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસનો ધમધમાટ કરેલ છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ડોગ સ્કોર્ડ તેમજ એફએસએલની મદદ લઇ તપાસ કરી રહી છે.