વાગરા,તા.૪
વાગરાના દરિયાઈ પટ્ટી પર ઓખી ચક્રવાતની સંભાવનાને પગલે વહિવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.જ્યારે દરિયાઈ પટ્ટી પર આવેલા અનેક ગામોને સર્તક રહેવા જણાવાયંુ છે.સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્ધારા બે નંબરનું સિગ્નલ આપવમાં આવ્યુ છે.દક્ષિણ ભારતના કેરળ, લક્ષદીપ અને તમિલનાડુમાં ભારે વિનાશ સર્જી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ઓખી ચક્રવાત ગુજરાતના દક્ષિણ કિનારાના દરિયાઈ વિસ્તારને મોડીરાતે સ્પર્શ કરવાની વકી વહિવટી તંત્ર દ્ધારા સેવવામાં આવી છે.જેને પગલે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દરિયા કિનારે સ્થિત અનેક ગામોને જિલ્લા વહીવટી તંત્રએ સાવધ કર્યા છે.વધુમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને દરિયો ન ખેડવા ખાશ તાકીદ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત મેરી ટાઈમ બોર્ડે બે નંબરનું સિગ્નલ પ્રજ્વલિત કરવામાં આવ્યું છે. ઓખી ચક્રવાતને કારણે મરીન પોલીસ, વહીવટી તંત્ર અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓને સાબડા રહેવા ઉચ્ચ કક્ષાએથી આદેશ કરાયો છે. ચક્રવાતની અસરને લઇ મોસમનો મિજાજ સવારથી જ ચોમાસાની ઋતુ જેવો નજરે પડ્યો હતો.તો કેટલાક ઠેકાણે અમી છાંટણા થયા હતા.તંત્ર દ્ધારા અસામાન્ય પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.
ચક્રવાતને પગલે દહેજ ઘોઘા રોરો ફેરી બંધ
ઓખી ચક્રવાતની અસર દહેજ ઘોઘા રોરો ફેરીને પણ થવા પામી છે.આ અંગે રોરો ફેરીના કેપ્ટન મનરાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ચક્રવાતને પગલે સાવચેતીના ભાગરૂપે ૬ ડિસેમ્બર સુધીના સમય માટે ફેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો વધુ સમય માટે ફેરી બંધ રાખીશું સાથે જ રોરો ફેરીનો ઉપયોગ કરતા લોકોએ આ બાબતની નોંધ લેવા અપીલ કરી હતી.