(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.૫
દહેજ-હજીરા-નાગોથણના ઈથેન પાઈપલાઈન પ્રોજેકટમાં ખેડૂતોને વળતરમાં અસમાનતા દાખવી ન્યાય કર્યો હોવાની લાગણી પ્રવર્તે છે. આ અંગે ખેડૂત સમાજ દ્વારા કલેકટરને રજૂઆત કરી. ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી અંગે કાનૂની કાર્યવાહી કરી સમાજ વળતરની માંગણી કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ દહેજથી નાગોથણ જતી પાઈપલાઈન માટે જમીનોમાં વપરાશી હક સરકારી કોર્પોરેશન પાસેથી મેળવી લીધા પછી ખાનગી કંપનીઓ હકોનો કેવો દુરૂપયોગ કરે છે અને સામાન્ય જનતા સાથે મોટાં ઔદ્યોગિક ગૃહો કેવી છેતરપિંડી કરે છે તે બાબત પ્રકાશનમાં આવી છે. આ પાઈપલાઈનના કામમાં જુદા જુદા વિસ્તારોમાં, ખેડૂતોને જુદું જુદું વળતર ચૂકવવામાં આવ્યું છે. ક્યાંક ૧૨,૫૦૦ જેવું સામાન્ય વળતર તો ક્યાંક ૨,૮૦,૦૦૦ જેટલું વળતર ચૂકવાયું છે. વળતરમાં આટલી મોટી અસમાનતાનું એકમાત્ર કારણ વ્યક્તિગત ખેડૂતની સંઘર્ષની ક્ષમતા અને સંગઠન પર રહ્યું છે. જો ક્યાંક-ક્યાંક વધારે વળતર ચૂકવી શકાતું હોય તો, બાકીના ખેડૂતોને ઓછું વળતર કેમ ચૂકવાયું ? એમનું અજ્ઞાન અથવા એમનું અસંગઠિત હોવું એ ખાનગી ઉદ્યોગો માટે છેતરપિંડીનું મોકળું મેદાન બને છે. કાયદો સૌને માટે સમાન છે એવું કહેવાય છે ત્યારે આટલો ઉઘાડો અન્યાય શા માટે ? જિલ્લાના વડા તરીકે આપના જિલ્લામાં ખાનગી ઔદ્યોગિક ગૃહ થકી ખેડૂતો સાથે થઈ રહેલા ભેદભાવ સામે પગલાં ભરવાની જવાબદારી ખરી કે નહીં ? તેવા પ્રશ્નો ઉઠ્યા છે.ખેડૂત સમાજ ગુજરાતે માગણી કરી છે કે વળતરમાં આટલી અસમાનતા કેમ છે તેની તપાસ કરવામાં આવે, તપાસની કામગીરી ચાલે ત્યાં સુધી, તાત્કાલિક ધોરણે પાઈપલાઈનનું કામ જ્યાં જે સ્થિતિમાં હોય ત્યાં તે જ સ્થિતિમાં રોકી દેવામાં આવે, જ્યાં સુધી ઓછું વળતર અપાયેલા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં ના આવે, ત્યાં સુધી કામ સદંતર બંધ રહેશે તે મુજબનું તાત્કાલિક જાહેરનામું બહાર પાડવામાં આવે. જવાબદારો સામે કાનૂની પગલાં હાથ ધરવામાં આવે. ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિ.ને હસ્તાંતરિત કરેલા હકો રદ કરવા માટે તરત જ ભલામણી કરવામાં આવે અને કોઈ પણ ખેડૂત કે અન્ય નાગરિક ઔદ્યોગિક ગૃહોના અન્યાયનો ભોગ ના બને તેના માટે જરૂરી કાનૂની કાર્યવાહી કરવા માટે, કાયદામાં જરૂરી સુધારો કરવા માટે ભારત સરકારને ભલામણી કરવામાં આવે. તેવી લાગણી વ્યકત કરાઈ છે સાથે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોના ઉકેલ માંગવા પ્રશ્નો સામેલ છે. રિલાયન્સ ગેસ પાઈપલાઈન્સ લિ.ના DNEPL પ્રોજેક્ટ થકી ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોના ઉકેલ માંગતા પ્રશ્નો
DNEPL ગુજરાત રાજ્યના સમગ્ર રૂટ ઉપર ફિલ્ડવર્ક મેથડોલોજી જે અપનાવી છે તે યુનિફોર્મ છે અને પ્રોજેક્ટ વર્ક દરમ્યાન પાક નુકસાની, જમીન બગાડ બધે સમાનપણે કર્યો છે હયાત કહેવાતા R.O.U માં લાઈન મહદઅંશે બિછાવાઈ છે આથી જમીનની બજાર કિંમત ધ્યાનમાં લેવાનો પ્રશ્ન આવતો નથી સાથે સાથે – ભરૂચ જિલ્લાના જે- જે ગામોમાં નવું R.O.U જાહેરનામાઓથી સંપાદિત કરાયું તે જમીનો સદર પ્રોજેક્ટ વર્કથી બગાડી તો છે જ તો તેમને વધારાનું ખાસ વળતર મેળવવાથી વંચિત કરવામાં આવ્યા છે. જાણી સમજીને અને માટે જ તા.૦૨/૦૬/૨૦૧૬ ના રોજ ની કલેકટર કચેરી ભરૂચ ના સભાખંડમાં મળેલ મિટીંગમાં એવા તમામ ગામોના વળતરના દરો મુકરર પણ નહીં કર્યા અને અન્ય ૧૪ ગામોના દરો જ તેમના પર લાગુ પાડી દીધા જેનાથી તેઓનું અહિત સો ટકા થયું છે જે અપાવવા માગણી થઈ છે. DNEPL માટે ભરૂચ જિલ્લાની હદથી આગળ જતાં RGPL દ્વારા અથવા તેઓની પેટાકંપનીઓ દ્વારા ખેડૂતોને ચૂકવાયેલા ગુંઠાના કુલ ૩૨,૫૦૦/- સિવાયના બીજા ખૂબ મોટી રકમના વળતરો જુદા જુદા હેડ (સદર) ઉભા કરી ચેક આપી ચૂકવાયા છે જો ત્યાંના ખેડૂતોને જુદા-જુદા હેડથી કંપની ચૂકવી શકે છે તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળી જ શકે કંપની ભરૂચ જિલ્લામાં વળતરોના દરો ન્યૂનતમ આપી રહી છે. જે અન્યાયી બાબત છે.