દાહોદ, તા.૧૯
પ્રવર્તમાન સમયમાં વિવિધ પ્રકારની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ, ખાદ્ય પદાર્થો વગેરે લાવવા લઈ જવા માટે પ્લાસ્ટિકની થેલીઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની થેલીઓ જે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તેનું જૈવવિઘટન થવામાં લાંબો સમય પસાર થતો હોવાથી પર્યાવરણ ખૂબ જ હાનિકારક છે. પ્લાસ્ટિકની થેલીઓ બિન જવાબદારીપૂર્વક ગમે ત્યાં ફેંકી દેવાના કારણે કચરો ફેલાય છે. જેના લીધે સ્વચ્છતા અને આરોગ્યને લગતા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ગટર, ડ્રેનેજ, સિસ્ટમ, વરસાદીનાળા વગેરેમાં આવી થેલીઓ એકત્રિત થાય તો ગટરો, નાળામાં પાણીના પ્રવાહને અવરોધે છે. જેના કારણે ગટરો ઓવરફ્લો થતાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે. પશુઓ માટે જીવલેણ અને જમીનની ફળદ્રુપતા અને પાણી સંગ્રહને ક્ષતિ પહોંચાડે છે. ભારત સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ર૦૧૬માં પ૦ માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા થેલીઓના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તાજેતરમાં ભારત સરકારના સ્માર્ટસિટી મિશનના ત્રીજા તબક્કામાં દાહોદ શહેરને સ્માર્ટસિટી તરીકે વિકસાવવા પસંદગી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લેતા દાહોદ શહેર તથા સમગ્ર જિલ્લો સ્વચ્છ રહે, પ્રદૂષણ ફેલાતું અટકાવી શકાય અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેમાટે દાહોદ જિલ્લા વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ વેચાણ અને સંગ્રહ ઉપર નિયંત્રણ મૂકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ-દાહોદશ્રી રંજીથકુમાર જે.એ.ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અમલવારી કરવા પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે.આ જાહેરનામું તા.૧/૧/ર૦૧૭ના રોજથી અમલમાં આવશે અને બે માસ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.