(એજન્સી) સીરિયા, તા.ર૬
રવિવારે રશિયાના રક્ષા મંત્રાલયે આપેલા નિવેદન અનુસાર દાઈશે કરેલા તોપમારામાં લેફ. જનરલ વલેરી અસાપોવનું નિધન થયું છે. અસાપોવ દેશમાં વરિષ્ઠ સૈન્ય સલાહકાર હતા અને તેઓ દાઈર અલ-ઝોરને મુક્ત કરાવવામાંં સીરિયન ચોકીને સહાય કરી રહ્યા હતા તે સમયે તેમનું મોત નિપજ્યું હતું.દાઈશ અચાનક તોપમારો કરતા લેફ.જનરલ વલેરી અસાપોવ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સીરિયામાં દાઈશ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટક હુમલામાં બે રશિયન સૈનિકોનાં મોત નિપજ્યા હતા. અસાપોવ સહિત સીરિયામાં કુલ ૩૭ રશિયન સૈનિકોનાં મોત નિપજ્યા હતા.
ગત અઠવાડિયે મોસ્કોએ ઘોષણા કરી હતી કે સીરિયન સૈન્યએ દાઈશના આતંકીઓ પાસેથી દાઈર અલ-ઝોરનો ૮પ ટકા વિસ્તાર મુક્ત કરાવી લીધો છે.
દાઈર અલ-ઝોરમાં સીરિયન આર્મીના મુક્તિ અભિયાને અનેક અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. યુએસનું સમર્થન ધરાવતી સેના અહીં તૈનાત છે પરંતુ તેમણે આતંકી સમૂહના હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ર૦૧૪ના મધ્યમાં દાઈશે દાઈર અલ-ઝોરના મોટાભાગના વિસ્તારો પર કબજો કરી લીધો હતો. ર૦૧પની શરૂઆતમાં દાઈર અલ-ઝોરના કેટલાક ભાગોમાં તકફીરી આતંકવાદીઓનો કબજો હતો. જે અગાઉ સરકારના કબજા હેઠળ હતા. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સીરિયન સરકાર દ્વારા નાકાબંધી દૂર કરવામાં આવી હતી. જેના કારણે શહેરમાં ફસાયેલા હજારો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંદાજિત આંકડા મુજબ શહેરમાં સરકારના કબજા હેઠળના વિસ્તારોમાં એક લાખ જેટલા લોકો રહે છે.