સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ

ઉના, તા.૧૮

નાઘેર પંથકમાં છેલ્લા ઘણા સમયથી સફેદ દૂધનો કાળો કારોબાર ચાલતો હોય અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામેલ હોવા છતાં તંત્ર દ્રારા પગલાં ભરવામાં લાજ કાઢતી હતી અને દિનપ્રતિદિન આ દૂધનો કાળો કારોબાર તેનો વિસ્તાર વધારી રહ્યું હતું ત્યારે ગત રાત્રીનાં ગીર સોમનાથ જિલ્લા એસઓજી અને ગીરગઢડા પોલીસે તાલુકાનાં રસુલપરા ગામમાં ભરવાડ પરિવારનાં ઘરમાં ચાલતા  સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરી સ્થળ પરથી ડુપ્લીકેટ દૂધનો જથ્થો તેમજ તેને બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુમાં મળી પોલીસે  રૂા.૫૩ હજારનો  મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની ગીરગઢડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાનાં રસુલપરા ગામમાં ડુપ્લીકેટ દૂધ બનતું હોવાની બાતમીને આધારે એસઓજીનો કાફલો રસુલપરા ગામમાં પહોંચી ગયેલ અને ગાંદરા ચોકની સામે રહેતા ભરવાડ ગોલણભાઇ રામભાઇનાં મકાનમાં દૂધની ડેરી ચાલતી હોય અને દૂધમાં પાઉડર તથા સોયાબિન તેલ વગેરે પદાર્થ મિશ્રણ કરી ગેરકાયદેસર ભેળસેળ કરી દૂધ બનાવતા હોવાની વાત બહાર આવતા પોલીસ ગોલણભાઇ ભરવાડનાં મકાનમાં ચાલતી દૂધની ડેરીમાં તપાસ હાથ ધરતા તેમને સાથે રાખી ઉંડાણપૂર્વક તપાસ કરતા સ્થળ પરથી એક મિક્ષર, સોયાબીન તેલ ૧૫ લીટરનો ડબ્બો, મિલ્કપાવડર સોયાબીન તેલનો ખાલી કેન તેમજ ફેટ મશીન, દૂધ ભરવાનાં ખાલી કેન તેમજ ૨૪૦ લીટર દૂધનાં જથ્થા સહિત રૂા.૫૩ હજારનાં મુદામાલ સાથે આગળની કાર્યવાહી હાથ ધરેલ જ્યારે ૨૪૦ લીટર દૂૂધનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં તપાસણી કરવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસ દ્વારા સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે. અને આ અંગેની ગીરગઢડા પોલીસમાં સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ ઉના પંથકમાં છેલ્લા ઘણા સમયથી સફેદ દૂધનો કાળો કારોબાર વ્યાપક પ્રમાણમાં ચાલતો હોય ત્યારે પોલીસ દ્વારા હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ થાય તો આ દૂધનાં કાળા કારોબારનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.