બલિયાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે યુપી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC)ના આસિસ્ટન્ટ રિજનલ મેનેજર સાથે ગેરવર્તણૂંક કરી તેમના વિરૂદ્ધ જાતિવાદી ટિપ્પણી કરતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. જો કે, બલિયાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ ભવાની ખાનગ્રોતે આ આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે, તેમણે કોઈપણ અધિકારી સાથે ગેરવર્તણૂંક કરી નથી. મીડિયા અહેવાલો પ્રમાણે એઆરએમ બિંદુ પ્રસાદે તેના રાજીનામાના પત્રમાં કહ્યું હતું કે, તે દલિત છે અને તેથી ખાનગ્રોતે તેમની સાથે ગેરવર્તણૂંક કરી હતી અને તેમના વિરૂદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી હતી.UPSRTCના મેનેજિંગ ડાયરેકટરને સોંપવામાં આવેલા રાજીનામામાં આ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે બલિયાની જેલના કેદીઓને અન્યત્ર ખસેડવા માટે ૧પ બસોની માગણી કરી હતી. પ્રસાદે કહ્યું હતું કે, બધી બસો જેલમાં પહોંચી ગઈ ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તેમની ઓફિસમાં આવ્યા હતા અને તેમને શર્ટના કોલરથી ઢસડી ડિસ્ટ્રીક્ટ જેલ લઈ ગયા હતા. પ્રસાદે તેમના રાજીનામાના પત્રમાં કહ્યું હતું કે, હું દલિત હોવાથી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે મારી સાથે ગેરવર્તણૂંક કરી જાતિવાદી ટિપ્પણી કરી હતી. હું અપમાન અનુભવું છું અને રાજીનામું આપું છું.