(એજન્સી) મુંબઇ, તા.૩
મહારાષ્ટ્રમાં હાલ સૌથી વધુ રાજકીય ઉથલપાથલ મચી છે. એક તરફ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ દલિત જૂથો આંદોલન કરે છે જ્યારે તેની પ્રતિક્રિયામાં અલગથી મરાઠા આંદોલન થઇ રહ્યું છે. આ દરમિયાન નવા રાજકીય સમીકરણ પણ બન્યા છે. હાલના રાજકીય માહોલમાં બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરનું મહત્વ વધી ગયું છે. કોંગ્રેસ, એનસીપી સાથે તાલમેલ કરનારા સાંસદ રાજુ શેટ્ટી પણ તેમની સાથે વાત કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ત્રીજો મોરચો બનાવી લડવાની તૈયારી કરી રહેલા અસદુદ્દીન ઓવૈસી પણ તેમના સંપર્કમાં છે. ઓવૈસી અને આંબેડકરની પાર્ટીની એક રેલી પણ યોજાઇ હતી. આ રેલી દ્વારા બંનેએ દલિત-મુસ્લિમ સમુદાયનું સંયુક્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપ આ પ્રદર્શનથી ખુશ છે. તેનું કારણ એ છે કે, ભાજપને આ બંનેને મતો મળવાની આશા નથી. ત્યારે જ તો તેને લાગે છે કે, કોંગ્રેસ, એનસીપી, બસપા અને સ્વાભિમાની પક્ષની સામે આંબેડકર તથા ઓવૈસીની પાર્ટીનો મોરચો બની જાય તો ભાજપ વિરોધી મતોનું વિભાજન થઇ જશે. આંબેડકર અને ઓવૈસીને આ વાતનો અંદાજ છે પણ એવું લાગે છે કે, ભાજપને રોકવા કરતા વધુ મોટી વાત તેમના માટે પાર્ટીનો આધાર મજબૂત કરવાનો છે. તેઓ જેટલા મતો મેળવશે તેટલો ભાજપને વધારે ફાયદો થશે.