(એજન્સી) અમદાવાદ, તા.પ
જીજ્ઞેશ મેવાણી પર છેલ્લા ર૪ કલાકની અંદર ચોથીવાર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો આરએસએસ અને ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. વડગામમાં તેની લોકપ્રિયતા વધવાને કારણે આ હુમલા થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વડગામથી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઊભા રહેનાર દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પર તકરવાડા ગામમાં હુમલો થયો હતો. જે અંગેની જાણકારી જીજ્ઞેશ મેવાણીએ તેના ટિ્‌વટર એકાઉન્ટ પર પણ આપી હતી. જીજ્ઞેશ મેવાણીના વાહન પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. જે બાદ જીજ્ઞેશ મેવાણીએ આ માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. જીજ્ઞેશ મેવાણીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે તકરવાડા ગામમાં ભાજપના લોકોએ મારી પર અટેક કર્યો હતો. તેણે કહ્યું કે ભાજપ ડરી ગઇ છે માટે તે આવું કરી રહી છે. અને હું એક આંદોલનકારી છું અને હું આ વાતથી નહીં ડરું. સાથે જ જીજ્ઞેશ મેવાણી આ ઘટનાના ફોટો પણ શેયર કર્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ વધુમાં ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે હું ગુજરાતનો દિકરો છું. અને મોદીજીએ મોટું મન રાખવું જોઇએ ભલે તેમની છાતી ૫૬ ઇંચની હોય કે ના હોય. જે જીતી રહ્યું છે તેની પર તમે હુમલો કરાવો છો. આ આઇડિયા તમારો છે કે અમિત શાહનો? કારણ કે આ પરંપરા ગુજરાતની તો નથી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીજ્ઞેશ મેવાણી તેમના વિસ્તારની ગામડાની મુલાકાત લઇને લોક સંપર્ક વધારી રહ્યા છે. ત્યારે આ ઘટના બની હતી. જે માટે તેમણે ભાજપને જવાબદાર ઠેરવી છે.