(એજન્સી) તા.૨૭
એક અગ્રણી દલિત નેતાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા જેવી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓએ દલિત અનામતનો અમલ કરવો જોઇએ એવા ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ઇરાદા સામે સવાલ ઉઠાવ્યા છે. નેશનલ કોન ફેડરેશન ઓફ દલિત ઓર્ગેનાઇઝેશન (એનએસીડીઓઆર)ના ચેરમેન અને ઇન્ટરનેશનલ કમિશન ફોર દલિત રાઇટ્‌સના ચેરમેન અશોક ભારતીએ જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં ઊભરી રહેલ દલિત મુસ્લિમોની એકતાને તોડવા માટે આ પ્રયાસ કરી રહ્યો છે. દલિતો કે મુસ્લિમો બેમાંથી કોઇ દલિતો માટે ભાજપના મગરના આંસુથી ગેરમાર્ગે દોરવાશે નહીં. ગઇ સાલ આરએસએસના વરિષ્ઠ નેતા ક્રિષ્ના ગોપાલે પણ જણાવ્યું હતું કે એએમયુ યુનિવર્સિટીમાં અનામતનો અમલ કરીને મોટો ગુનો આચરી રહી છે. લઘુમતી સંસ્થાઓએ જણાવ્યું હતું કે કાયદો તેના પક્ષે છે. ૨૦૧૦માં સુપ્રીમકોર્ટે એવું ઠરાવ્યું હતું કે રાજ્ય લઘુમતી સંસ્થાઓને તેની અનામત નીતિનો અમલ કરવાની ફરજ પાડી શકે નહીં. કાયદા પંચના પૂર્વ અધ્યક્ષ તાહીર મહેમુદે એવી દલિલ કરી છે કે લઘુમતી સંસ્થાઓ માટે દલિતોને અનામત આપવી એ તાર્કિક નથી. બંધારણના અનુચ્છેદ ૩૦(૧) અનુસાર તમામ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત શૈક્ષણિક સંસ્થા ચલાવવાનો અધિકાર છે. પરંતુ ૨૦૧૪માં જ્યારથી ભાજપ સત્તારુઢ થયો છેે ત્યારથી તે એએમયુ અને જામિયા બંનેના લઘુમતી દરજ્જાને હટાવવાની કોશિશ કરી રહ્યો છે.

દલિતો માટે અનામતના ક્વોટા અંગે સીએમનું નિવેદન ચૂંટણી સ્ટંટ : અમુટા

(એજન્સી) તા.૨૭
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને દિલ્હીની જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટી જેવી લઘુમતી સંચાલિત સંસ્થાઓએ દલિતો માટે અનામત બેઠકો રાખવી જોઇએ એવું ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યાના એક દિવસ બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના (અમુટા) સેક્રેટરી નજમુલ ઇસ્લામે યોગીના નિવેદનને ચૂંટણી સ્ટંટ ગણાવ્યું હતું. રવિવારે કન્નૌજ ખાતે એક જાહેર સભાને સંબોધતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જો બનારસ હિંદુ યુનિવર્સિટી દલિતો અને પછાતોને અનામત આપી શકે તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા કેમ દલિતો માટે અનામત બેઠક ફાળવી ન શકે ? તેમણે દલિત તરફી કાર્યકરોને એએમયુ અને જામિયામાં દલિત આરક્ષણના મુદ્દાને ઉઠાવવા જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવેદનની પ્રતિક્રિયા આપતા ઇસ્લામે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે જ્યારે ભાજપ યુપીમાં આજથી ૧૮ મહિના પૂર્વે સત્તારુઢ થઇ ત્યારે સીએમે કેમ આ મુદ્દો ઉઠાવ્યો ન હતો ? અત્યારે આ મુદ્દો ઉઠાવવાની શી જરુર છે ? એવું જણાવીને તેમણે ઉમેર્યુ હતું કે ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. અમુટાના સેક્રેટરીએ જણાવ્યું હતું કે તમામ રાજકારણીઓએ શૈક્ષણિક સંસ્થાઓથી દૂર રહેવું જોઇએ અને આ માટે રાજકારણ ખેલવું જોઇએ નહીં. એએમયુ સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ મશકુર ઉસ્માનીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું.