(એજન્સી) લખનૌ, તા. ૩૦
ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાંથી દલિતના શોષણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આઝમપુર બિસૌરિયા ગામમાં એક દલિતની આ કારણોસર મૂંછો ખેંચી લેવામાં આવી કારણ કે તેણે ઘઉંની કાપણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. માત્ર આટલું જ નહીં દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને પણ તેની સાથે મારઝૂડ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીતારામ નામના એક દલિત વ્યક્તિ આઝમપુર બિસૌરિયા ગામમાં ખેતી અને મજૂરી કરે છે. સીતારામે પોતાની સાથે થયેલા અત્યાચારની ફરિયાદ જ્યારે પોલીસને કરી ત્યારે પોલીસે શરૂઆતમાં આ કેસમાં કોઈ કાર્યવાહી કરી નહીં.ઘટનાના લગભગ એક સપ્તાહ બાદ સિટી એસ.પી. જીતેન્દ્રકુમાર શ્રીવાસ્તવના આદેશ પર આ કેસમાં આરોપીઓની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. સીતારામે ગામના ઠાકુર સહિત અન્ય વ્યક્તિઓ ઉપર મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો છે. આ ઘટના ર૩ એપ્રિલ સાંજની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામના ઠાકુર વિજયસિંહ, વિક્રમસિંહ શૈલેન્દ્ર અને પિંકુસિંહે જ્યારે સીતારામને ઘઉંની કાપણી કરવાનું કહ્યું તો તેણે બે દિવસ બાદ આ કામ કરવાનું કહ્યું. સીતારામે કામ કરવાની ના પાડતા લોકોએ તેની સાથે મારઝૂડ કરી.