(એજન્સી) લખનૌ, તા. ર૪
એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા માટે દલિત યુવકે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાની ઘટના સામે આવતા હિંદુ સંગઠનો દોડતા થયા હતા. બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનના લોકોએ દલિત યુવકના ઘરે પહોંચી ફરી હિંદુ ધર્મ અપનાવવા માટે દબાણ કર્યું હતું. ઘટના ઉત્તરપ્રદેશના શામલીના સદર કોતવાલીની છે. જ્યાં દલિત સમાજના એક યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા મૌલવીની મદદથી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. મૌલવી સાથે મુઝફ્ફરનગર કોર્ટમાં જઈ આ અંગે તેણે દસ્તાવેજીકરણ પણ કરાવ્યું હતું. જો કે સમાચાર બાદ બજરંગ દળના સભ્યો દલિત યુવકના ઘરે પહોંચ્યા હતા અને બળજબરી પૂર્વક તેની દાઢી મૂંડાવી અને તિલક લગાવી હિંદુ ધર્મ સ્વીકારવા મજબૂર કર્યો હતોે. એવા પણ અહેવાલ છે કે હિંદુ સંગઠનો સાથેની વાતચીત બાદ યુવકે સ્વેચ્છાએ ફરી એક વાર ધર્મ પરિવર્તન કર્યું હતું. બજરંગ દળના નેતા સન્ની શર્માનું કહેવું છે કે વિશેષ સમાજના લોકો હિંદુ યુવાઓને ફોસલાવીને પોતાના ધર્મમાં સમાવિષ્ઠ કરવા માંગે છે જે અમે બિલકુલ નહીં થવા દઈએ. અમે તે યુવકને પ્રેમથી સમજાવ્યો છે અને તેને મંદિરમાં લઈ જઈ શુદ્ધિકરણ પણ કરાવીશું.