(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩
‘સબ સલામત’ના દાવા કરનાર ભાજપ સરકારના શાસનમાં દલિતો અને લઘુમતીઓ પરના હુમલાઓ જાણે કે છાશવારે થવા લાગ્યા છે. દલિતો પરના હુમલાની વાત કરીએ તો મૂછ રાખવા, મોજડી પહેરવા કે ઘોડી પર બેસવા જેવી બાબતોમાં પણ દલિતોને માર માર્યાની અને હત્યાની ઘટનાઓ તાજેતરમાં ઘટી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના મેદપરા ગામે એક દલિત યુવકને કારખાનેદારે ઢોરમાર મારીને તેને પશુની જેમ રસ્તા પર ચાર પગે ચાલવા મજબૂર કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દલિતો પરના અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જૂનાગઢ ભેંસાણ તાલુકાના મેદપરા ગામના દલિત યુવક પર અમાનવીય વ્યવહાર કરાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભેંસાણ તાલુકાના મેદપરા ગામના રિક્ષાચાલક દલિત યુવક મુકેશ બચુભાઈ રાઠોડને સાબલપુર ચોકડી નજીક આવેલા કારખાનાના માલિક કૌશિક પટેલ અને તરૂણ પટેલે જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢોરમાર માર્યો હતો એટલું જ નહીં મુકેશને જાહેર રસ્તા ઉપર પશુની જેમ ચાર પગે ચાલવા માટે મજબૂર પણ કર્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જો કે યુવાન સાથે આવું કૃત્ય શા માટે કરવામાં આવ્યું તે અંગેની વિગતો હજુ અકબંધ રહેવા પામી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.