(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૨૨
ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ-૧ર અંગ્રેજીનું પેપર આપવા ગયેલા મહેસાણાના એક છાત્રને અજાણ્યા બે શખસોએ મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ નજીકના ખેતરમાં લઈ જઈ તેને ઝાડ સાથે બાંધીને ધોકા વડે બેરહમીપૂર્વક માર મારતાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટના અંગે પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મહેસાણા શહેરમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા નરેશભાઈ ચાવડાનો દિકરો મિત લણવા ગામની શાળામાં ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. હાલ બોર્ડની પરીક્ષા શરૂ થઈ હોવાથી મિતનો નંબર ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામમાં આવેલ એલ.એચ. સાર્વજનિક હાઈસ્કૂલમાં આવ્યો છે. સોમવારે તેને અંગ્રેજીનો પેપર હોવાથી સમયસર તે ધિણોજ ખાતેના પરીક્ષા કેન્દ્રએ પહોંચ્યો હતો અને શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની લાઈનમાં ઉભો હતો. તે વખતે તેની પાસે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને કામ છે તેવું કહીને બહાર લઈ ગયો હતો. ત્યાંથી અન્ય સાગરીતે ભેગા થઈ બળજબરીથી મિતને મોટરસાયકલ પર બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને ધિણોજની સીમમાં આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા.અહીં દોરડા વડે ઝાડ સાથે બાંધીને મિતને ધોકાથી બેરહમીથી માર માર્યો હતો. હવે પેપર આપવા આવ્યો તો તારા મા-બાપને મારી નાંખીશું તેવું કહીને મિતને રોડ પર દોડાવ્યો હતો. તેમની ચૂંગાલમાંથી માંડ-માંડ બચીને ઘરે પહોંચેલા મિતના શરીર પર નિશાન જોઈ તેના પરિવારજનો ચોંકી ઉઠયા હતો. જેથી તેની પુછપરછ કરતાં ભયભિત બનેલા મિતે ચોંકાવનારી ઘટના જણાવી હતી. તે પછી મિતને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ચાણસ્મા પોલીસે નિવેદનના આધારે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. વળી, આ ઘટનામાં રમેશ કંડકટર નામનો એક શખ્સ સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું છે.