ભાવનગર, તા.૧૭
ભાવનગર જિલ્લાના શિહોર ગામના કારકોલિયા રોડ પર આવેલી એકતા સોસાયટીમાં રહેતા એક દલિત યુવાને શિહોરના કુખ્યાત બુટલેગરના ત્રાસ અને પોલીસની નિષ્ક્રિયતાથી વાજ આવી જઈ રવિવારે સાંજના સુમારે પોલીસ મથકમાં જ પોતાના શરીર ઉપર કેરોસિન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે દલિત યુવાનનું મોત નિપજતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આજે હોસ્પિટલ ખાતે દલિત સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની ગંભીરતા ધ્યાને લઈ ભાવનગર જિલ્લા પોલીસ વડા પ્રવીણસિંહ મલ સહિતનો પોલીસ કાફલો શિહોર ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ચકચારી બનાવની જાણવા મળેલ વિગતો મુજબ શિહોરના કરકોલિયા રોડ પર રહેતા ગીરીશ જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.૩૦) નામના દલિત યુવાને ગઈકાલે રવિવારે શિહોરના પોલીસ સ્ટેશન ખાતે ધસી જઈ કોઈ કાંઈ સમજે તે પૂર્વે પોતાની સાથે લાવેલા કેરોસિન ભરેલા શીશામાંથી પોતાના માથે કેરોસિન રેડી કાંડી ચાંપી પોતાની જાતે જ અગ્નિસ્નાન કરી લેતા પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફે યુવાન ઉપર પાણી રેડી આગને ઓલવી નાખી તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન આજે સોમવારે દલિત યુવાન ગીરીશ બારૈયાનું મોત સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન આજે સોમવારે દલિત યુવાન ગીરીશ બારૈયાનું મોત નિપજતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવ અંગે વધુમાં જણાવ્યા મુજબ મરણજનાર યુવાન પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બુટલેગરના ત્રાસ અને ધાક-ધમકીથી ત્રાસી અને પોલીસ તંત્ર તરફથી પણ સંતોષકારક કાર્યવાહી કે જવાબ નહીં મળતા કંટાળેલા યુવાને ગત રવિવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં જ અગ્નિસ્નાન કરી લેતા આજરોજ સારવાર દરમિયાન ગીરીશ બારૈયાનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું હતું. આ બનાવ અંગે શિહોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. હજુ સુધી આ મોત પાછળ ઉકત બુટલેગર જવાબદાર હોય તે અંગે કોઈ ફરિયાદ કે અરજી મરણજનારના પરિવાર દ્વારા આપવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવથી શિહોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની શિહોર પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.