(એજન્સી) મલપ્પુરમ, તા.૧૦
પેરિનથલમન્ના નજીક પુઝક્કટ્ટીરી ગામમાં ફીની ચૂકવણી ન કરતા કાઢી મૂકવાની ધમકી મળ્યા બાદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખવા માટે દલિત યુવતીની વહારે મસ્જિદ સમિતિએ મદદનો હાથ લંબાવ્યો છે. અહેવાલ મુજબ મેંગ્લુરૂ નર્સિંગ કોલેજની બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સત્યવાનીએ ૬૦,૦૦૦ રૂપિયાથી વધુ ફીની ચૂકવણી કરવાની બાકી હતી અને અભ્યાસ છોડ્યા સિવાય તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ સત્યવાનીને અચાનક મસ્જિદ સમિતિ તરફથી સહાય મળતાં તેણે નર્સિંગનો અભ્યાસ ફરી ચાલુ કર્યો છે.
કોલેજ સત્તાવાળાઓએ સત્યવાનીને ફીની તાત્કાલિક ચૂકવણી નહીં કરે તો તેને કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. સત્યવાની રોજિંદા કામદાર માતા સાથે રહે છે. કોલેજમાંથી ફી ચૂકવણી મુદ્દે ધમકી મળ્યા બાદ સ્થાનિક સંગઠનો, રાજકીય પક્ષો પાસેથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા પરંતુ તે બધા જ નિરર્થક નિવડ્યા. છેલ્લે સત્યવાનીએ ભંડોળ માટેના તમામ પ્રયત્નોની આશા છોડી દીધી. નર્સિંગનો અભ્યાસ છોડવાનો આખરી નિર્ણય લેતા પહેલાં સત્યવાની તેની માતા શાંન્થા સાથે તેના ગામમાં આવેલી મસ્જિદમાં ગઈ અને નાણાકીય સહાયની માગ કરી. સત્યવાનીના આશ્ચર્યજનક રીતે મસ્જિદ સમિતિ તરફથી સહાય મળી.
પુઝક્કટ્ટિરી મહલ્લુ સમિતિએ બે જ દિવસમાં સત્યવાનીના નર્સિંગના અભ્યાસ માટે જરૂરી ભંડોળ ઊભું કર્યું અને તેની કોલેજમાં બીજા જ દિવસે ૮૩૦૦૦ રૂપિયા નર્સિંગની ફી જમા કરાવી દીધી.
સત્યવાનીએ જણાવ્યું કે, મહાલ્લુ સમિતિ દ્વારા પ્રાપ્ત નાણાકીય સહાયથી તેને અને પરિવારને મોટી રાહત મળી છે. તેણે જણાવ્યું કે, ત્રણ વર્ષ અગાઉ નર્સિંગ કોલેજમાં પ્રવેશ વખતે એને એવી આશા હતી કે તે વાર્ષિક ૧ લાખ રૂા. ફીનું આયોજન કરી લેશે પરંતુ પિતાનું મૃત્યુ બાદ તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું. માતાએ સત્યવાનીના શિક્ષણ પાછળ ઘણાં સંઘર્ષો કરીને મોટા ખર્ચા કર્યા. કોલેજ સત્તાવાળાએ સત્યવાનીને ધમકી આપી કે જો તે ટૂંક સમયમાં બાકી ફીની ચૂકવણી નહીં કરે તો તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવશે. પુઝક્કટ્ટિરી મહાલુ સમિતિના સેક્રેટરી કે. મોઈદીએ જણાવ્યું કે, સત્યવાની અને તેની માતા કોલેજની ફી માટે નાણાકીય સહાય મેળવવા આવ્યા હતા. સમિતિએ માતા-પુત્રીની અરજી પર તરત જ મીટિંગ બોલાવી સમિતિના પ્રમુખ મુહમ્મદ મુસાલિયાર અને અન્ય લોકોએ નાણાકીય સહાયની તત્પરતા બતાવી અને સત્યવાનીની માત્ર નર્સિંગ અભ્યાસની ફી જ નહીં પરંતુ ટ્યુશન અને હોસ્ટેલ ફી માટે પણ નાણાકીય સહાય આપી.