(એજન્સી) તા.૩
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રુદ્રવાડી ગામની ગ્રામપંચાયત કચેરી બહાર ચાર પોલીસ કોન્સ્ટેબલો ૨૪ કલાક તૈનાત રાખવામાં આવ્યા છે અને પોલીસનું વાહન દર બે કલાકે મુલાકાત લે છે. ૭૦૦ કરતા થોડી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં મરાઠા અને દલિત સમુદાયો વચ્ચે તંગદિલી સ્પષ્ટપણે વર્તાય છે. એફઆઇઆરમાં જણાવાયું છે કે દલિત છોકરો અને મરાઠી છોકરી વચ્ચેના પ્રણય સંબંધોની શંકાને કારણે ગામમાં વિવાદ થયો છે. આ ગામને ભૂતકાળમાં ‘ટંટામુક્ત ગાવ’નો એવોર્ડ પણ મળ્યો હતો. મરાઠા અને દલિતો બંને સમુદાયો માતંગ જ્ઞાતિના છે અને તેઓ જે કંઇ બન્યું તે માટે અલગ અલગ વાતો વહેતી થઇ છે. એફઆઇઆરમા ંજણાવ્યું છે કે મરાઠા સમુદાયમાંથી ૨૦ કરતા વધુ લોકોએ ૯ મે,ના રોજ આ છોકરા પર હુમલો કર્યો હતો અને તેને મદદ કરવા દોડી જનાર પર પણ હુમલો થયો હતો. દલિત સમુદાયના સરપંચ સાલુભાઇ શીંદેના પુત્ર નીતિન શીંદેએ જણાવ્યું હતું કે પ્રણય સંબંધોના શંકાના મામલે શંકાના આધારે છોકરા પર હુમલો થયા બાદ તેમણે અમારા પર હુમલા કર્યા હતા. અમે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ કોઇની ધરપકડ કરવામાં આવી નથી. હુમલાના બે દિવસ બાદ તેમનું એક જૂથ અમારા ઘરમાં પ્રવેશ્યું હતું અને અમને લાકડીઓથી પાશવી માર માર્યો હતો. આ જ વખતે અમારા સમુદાયની એક છોકરીના લગ્ન થવાના હતા. અમો કેટલાક વર-કન્યા સાથે મરાઠા વિસ્તારમાં આવેલ ગામના મંદિરમાં ગયા હતા. અમને ક્યારેય મંદિરમાં પ્રવેશવા દેવાયા નથી. અમને દાદરા પર ઊભા રહીને પ્રાર્થના કરવા મંજૂરી આપી હતી પરંતુ એ દિવસથી અમને મંદિર નજીક જતા પણ અટકાવવામાં આવ્યા હતા અને અમારા પર હુમલો થયો હતો. દલિત સમુદાયના અન્ય સભ્ય તુકારામ શીંદેએ જણાવ્યું હતું કે અમે ભયભીત હતા અને અમારા પર હુમલો થવાની દહેશત હતી. ગામના બીજા લોકોએ પણ અમારો બહિષ્કાર શરુ કરી દીધો હતો. અમને દુકાનો પર જતા પણ અટકાવવામાં આવ્યા હતા. આથી અમારા ૧૨ પરિવાર ગામ છોડીને જતા રહ્યા હતા અને પુનર્વસનના માગણી કરવા તાલુકા વડા મથકની મુલાકાત લીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં ૨૨ લોકોની ધરપકડ કરી છે.