(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ર૩
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક દલિત યુવકે ફેસબુક એકાઉન્ટમાં પોતાના નામની પાછળ “સિંહ” શબ્દ લખતા દરબારોએ ઉશ્કેરાઈને ગત સાંજે આ દલિત યુવક ઉપર હુમલો કરતા દલિત અને દરબારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક એક્ટીવા, એક બાઈક તથા અન્ય ચીજ વસ્તુઓને ટોળા દ્વારા તોડફોડ કરાઈ હતી. એક દલિત પ્રૌઢના માથામાં પાઈપથી હુમલો કરાયો હતો. સોનાની ચેઈન, મોબાઈલ અને મંગળસૂત્રની લૂંટ કરાઈ હતી. હાથમાં હથિયારો સાથે ટોળા નીકળતા રાત્રે વાતાવરણ તંગ થઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા ધોળકા ટાઉન, ધોળકા ગ્રામ્ય ઉપરાંત કોઠ, બગોદરા, બાવળા પોલીસની ટીમો ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી સ્ટાફ ઉપરાંત એસ.આર.પી.ની પ્લાટૂન ધોળકામાં ખડકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ (ગ્રામ્ય)ના એસપી આર.વી. અસારી પણ ધોળકા દોડી આવ્યા હતા. દલિતોએ ધોળકા પોલીસ મથકમાં ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે જુદી-જુદી ત્રણ પોલીસ ફરિયાદો ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.
ધોળકા પોલીસ મથકમાં મૌલિકભાઈ ચંદુભાઈ જાદવ (રહે. શાંતિકૂંજ સોસાયટી મુજપુર રોડ, ધોળકા)એ આરોપીઓ (૧) સહદેવસિંહ વાઘેલા (ર) યશપાલસિંહ તથા બીજા ચાર જણાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં દર્શાવાયું છે કે, ફરિયાદી મૌલિક પોતાનું મોટરસાઈકલ લઈને પેટ્રોલ પુરાવવા જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી મારક હથિયારો સાથે સફેદ કલરની ગાડી દ્વારા મૌલિકનો પીછો કરી ઓવરટેક કરી ગાળો બોલી તારે “સિંહ” થવું છે તથા જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી મૌલિકની ફેંટ પકડી આરોપી નંબર-૧એ લાફો માર્યો હતો. જ્યારે ધોળકા પોલીસ મથકમાં આ બનાવ સંદર્ભે બીજી એફઆઈઆર પરેશભાઈ પોપટભાઈ જાદવ (રહે. વિનાયક સોસાયટી, મુજપુર રોડ, ધોળકા)એ નોંધાવી છે. તેમાં આરોપીઓ તરીકે (૧) સહદેવસિંહ (ર) જયપાલસિંહ (૩) સિદ્ધરાજ (૪) બાલી તલાટી (પ) વિજય પ્રદ્યુમનસિંહ પરમાર તથા બીજા ત્રણ ઈસમોને દર્શાવાયા છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓ કાળા કલરની સ્કોર્પિયોમાં ફરિયાદીના ઘરે આવી મૌલિક ક્યાં ગયો જાતિ વિષયક અપશબ્દો બોલી સહદેવસિંહે ફરિયાદીના પિતાજીના માથાના ભાગે પાઈપ મારી હતી. આરોપી નં. રએ લાકડીઓ મારેલ, આરોપી નં. ૩,૪,પ તથા બીજા ત્રણેએ ફરિયાદી તથા તેની પત્ની તથા દીકરાને મારી મારી ઈજા કરી ફરિયાદીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂા. ૩૦,૦૦૦ તથા ફરિયાદીની પત્નીના ગળામાંથી સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર કિંમત રૂા. ૯૦ હજાર મળી કુલ રૂા. ૧.ર૦ લાખની મતાની લૂંટ કરી જાતિ વિષયક અપશબ્દો બોલી ગુનો કરેલ. જ્યારે આ બનાવ સંદર્ભે ધોળકા પોલીસ મથકમાં ત્રીજી ફરિયાદ ધીરજબા મહીપતસિંહ વાઘેલા (રહે. દેવતીર્થ સોસાયટી, કોલેજ સર્કલ પાસે, ધોળકા)એ નોંધાવી છે. જેમાં આરોપીઓ તરીકે (૧) ભરતભાઈ જાદવ (ર) પરેશભાઈ જાદવ (રહે.વાલથેરા) (૩) કેતન બળવંતભાઈ મકવાણા (રહે.ધોળકા) તથા બીજા પ૦ માણસનું ટોળુ દર્શાવ્યું છે. આ ફરિયાદમાં દર્શાવાયું છે કે, આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હાથમાં પાઈપો, ધારિયા, લાકડીઓ લઈ ફરિયાદીના ઘરે આવી ક્યાં ગયો તમારો સહદેવસિંહ બોલી ઘરમાં ઘૂસી જઈ ફરિયાદી તથા સાહેદને ગડદાપાટુનો માર મારેલ. તિજોરી, અન્ય સાધન સામગ્રી, બાઈક, એક્ટીવાની તોડફોડ કરી હતી. પ્રીતિબાના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂા. રપ હજાર, પ્રકાશબાનો મોબાઈલ કિંમત રૂા. ૧૦ હજાર મળી કુલ રૂા. ૩પ,૦૦૦ની મતાની લૂંટ કરી ગુનો કરેલ. હાલ આ ઘટનાના પડઘા ના પડે તે માટે ધોળકા ટાઉન પીઆઈ એલ.બી. તડવીએ સંવેદનશીલ વિસ્તારોમાં એસ.આર.પી.ના જવાનોના પોઈન્ટ ગોઠવી દીધા છે તથા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.