(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં દલિત યુવાનને નિર્દયતાપૂર્વક માર મારી હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, એઆઈસીસીના મહામંત્રી રાજીવ સાતવ તથા ધારાસભ્યોએ મૃતક દલિત પરિવારની મુલાકાત લઈ સહાનુભૂતિ વ્યકત કરી હતી અને કોંગ્રેસ પક્ષ તરફથી ભોગ બનનાર પરિવારને રૂા.૧ લાખ આર્થિક સહાય કરવામાં આવી હતી. તેમજ સરકાર આ દલિત પરિવારને જમીન, મકાન, જરૂરી સહાય આપે અને આ ઘટના સહિત દલિતો પરના અત્યાચારની તમામ ઘટનાઓના ઝડપથી કેસોનો નિકાલ કરી દોષિતોને સજા કરે તેવી માગ કરી છે. રાજકોટના શાપર-વેરાવળમાં મૃતક દલિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી રાજીવ સાતવ એ.આઈ.સી.સી. એસ.સી. વિભાગના કન્વીનર રવિન્દ્ર દલવી પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, ધારાસભ્ય શૈલેષ પરમાર, સોમાભાઈ પટેલ, નૌશાદ સોલંકી, લાખાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ ચેતના ખાચર સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ મુલાકાત લઈ સહાનુભૂતિ વ્યકત કરી હતી. મૃતક દલિત પરિવારની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં અમિત ચાવડા અને રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં દલિતો પર અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકાર દલિતો પર અત્યાચાર રોકવામાં નિષ્ફળ નિવડી છે. ઉલ્ટાનું દલિતો પર અત્યાચાર કરનારને ભાજપ સરકાર રાજકીય રક્ષણ આપી રહી છે. રાજ્યના મુખ્યમંંત્રી જ્યાંથી પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારમાં જ અતિ ગંભીર ઘટના બને ત્યારે દલિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રાજ્યના મુખ્યમંત્રી તેમના પદ પરથી રાજીનામું આપે ગુજરાતની ભાજપ સરકારે જે પ્રકારે એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવી દીધો તેથી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ માજા મૂકી છે. ગુનેગારોને સજા નહીં કરીને એક પ્રકારે ગુજરાતની ભાજપ સરકાર આવા લોકોનું પરોક્ષ સમર્થન કરે છે. જ્યારે આવા બનાવો બને છે ત્યારે ભાજપનો કોઈ કાર્યકર કે નેતા પીડિત પરિવારની વ્હારે આવતો નથી પરંતુ સરકાર આંદોલનોને તોડી પાડવા સદંતર જૂઠા વચનો આપે છે. પરંતુ એક પણ વચન પાળતી નથી. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગે આજરોજ તમામ શહેર જિલ્લા મથકોએ દેખાવો કરી આવેદનપત્રના માધ્યમથી નીચે મુજબની ન્યાયી માગણીઓ કરવામાં આવી છે. જેમાં મૃત્યુ પામનાર દલિત યુવાનની પત્નીને આજીવિકા ચાલે તે માટે પ એકર જમીન આપવામાં આવે, રહેણાંક હેતુસર સરકાર મકાન બનાવી આપે, બાળકોના શિક્ષણ માટે જ્યાં સુધી બાળકો ભણે ત્યાં સુધી સ્વનિર્ભર શાળા/કોલેજનો સંપૂર્ણ ખર્ચ સરકારે ઉઠાવે, મૃત્યુ પામનારના પત્નીને લીવર/ વાલની ગંભીર બીમારી છે તો તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે, નિયમ મુજબની તમામ સહાય તાત્કાલિક ચૂકવી આપવામાં આવે. ઉના અને થાનગઢના કિસ્સામાં સરકારે જે કોઈ વચનો આપ્યા છે તે વિના વિલંબે પૂર્ણ કરેે.