અમદાવાદ, તા.ર૪
રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં દલિત યુવાનને નજીવી બાબતમાં નિર્દયતાપૂર્વક ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજરોજ સાંજે પૂર્વ કેન્દ્રીય મંત્રી કુ.શૈલજા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યોએ રાજ્યપાલ ઓ.પી.કોહલીને મળી વિવિધ માંગો સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું હતું. ભોગ બનનાર દલિત પરિવારની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામ ખાતે સવારે ૧૧.૦૦ પૂર્વે કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા કુ.શૈલજા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સહિતના સ્થાનિક ધારાસભ્ય અને પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શાપરમાં થયેલ દલિત યુવાનની હત્યાના વિરોધમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સારંગપુર અમદાવાદ ખાતે ૦૩.૦૦ કલાકે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા કુુ.શૈલજા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના વરિષ્ઠ આગેવાન તથા મોટી સંખ્યામાંં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ દલિત સમાજને સુરક્ષા આપવા માંગ કરી હતી.
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યોએ આજરોજ દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારમાં સંડોવાયેલા આરોપી સામે સખત પગલાં ભરવાની માંગ સાથે દલિત સમાજને સુરક્ષા મળે તે માટે મહામહિમ રાજ્યપાલને રૂબરૂ મુલાકાત લઈ વિવિધ માંગો સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું હતું.