ધોળકા,તા.૧પ
ધોળકા તાલુકાના સરોડા ગામની સીમમાં દલિતોને તંત્ર દ્વારા સાંથળીની જમીનનો કબજો સોંપવામાં ના આવતા તા.૧૬/પ/ર૦૧૮, બુધવારે સરોડા ગામનાં દલિતો આ જમીન પર ઘસી જઈ જમીન ખેડવાનો કાર્યક્રમ આપતાં ઘર્ષણ થવાની દહેશત છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ધોળકા ગ્રામ્ય પોલીસ જરૂરી બંદોબસ્ત ગોઠવશે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામની સીમમાં દલિતો સાંથળીની જમીન માટે સરકાર સામે આંદોલન ચલાવેલું વારંવાર ધોળકા પ્રાંત અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરેલી. થોડા સમય અગાઉ તંત્ર દ્વારા દલિતોને સાંથળીની જમીન તો ફાળવી પરંતુ કબજો આપવામાં આવ્યો નથી. હાલ આ જમીન ઉપર વર્ષોથી ઠાકોર સમાજના ખેડૂતો ખેતી કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તા.૧૬મી મે ને બુધવારે સવારે ૧૧ વાગ્યે ધોળકાના સરોડા ગામની સીમમાં દલિતો દ્વારા આ સાંથળીની જમીનનો કબજો જાતે જ લઈ ત્યાં જમીન ખેડવાનો કાર્યક્રમ જાહેર કરાતા પોલીસ અને વહીવટી તંત્ર દોડતાં થઈ ગયા છે. આ જમીન પર ખેડવાના કાર્યક્રમ વેળા ઘર્ષણ થવાની દહેશત હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર એ આ બાબતને ગંભીરતાથી લીધી છે. સરોડામાં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી શક્યતા છે.